
પાટણ, 28 માર્ચ (હિ.સ.)સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામે યોજાયેલા યશોત્સવ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ ટોળાનો ભાગ બનવું મૂર્ખતા ગણાવી યુવાનોને સાવચેત રહેવા અપીલ કરી હતી. તેમણે આડકતરી રીતે ઉણ ગામની ઘટનાનો ઉલ્લેખ કરીને હિંસક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની ટકોર કરી હતી.
તેમણે જણાવ્યું કે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં વીડિયો મૂકી ટોળા એકત્રિત કરે છે, પરંતુ વિચાર્યા વગર આવા ટોળાનો ભાગ બનવું અણસમજ છે. સમાજ માટે કોઈ યોગદાન ન આપનાર લોકોના ઉશ્કેરણીભર્યા સંદેશાઓ પાછળ દોડવું યોગ્ય નથી.
યુવાનોને સંબોધતા તેમણે કહ્યું કે સરકારી પરીક્ષાની તૈયારી કરતા યુવકો સોશિયલ મીડિયા દ્વારા ભટકી જાય છે અને આવેશમાં આવી ટોળામાં જોડાઈ જાય છે. જો આવી પ્રવૃત્તિ દરમિયાન કોઈ પોલીસ કેસ થાય તો યુવાનોનું ભવિષ્ય બગડી શકે છે, તેથી સમજદારીથી નિર્ણય લેવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે ભાભર તાલુકાના ઉણ ગામમાં થયેલી ઘટનામાં ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોડ અને પથ્થરમારો કર્યો હતો, તેમજ હાઈવે બ્લોક કર્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ