
મહેસાણા, 28 માર્ચ (હિ.સ.) વિસનગર શહેરના પીંડારીયા તળાવ ખાતે યોજાયેલા વસંતા બાવાજીના નૂતન સમાધિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તિ સાથે પરંપરાગત રસોડું વિશેષ આકર્ષણ બન્યું છે. ત્રિદિવસીય આ મહોત્સવ દરમિયાન અંદાજે 20,000 જેટલા શ્રદ્ધાળુઓ મહાપ્રસાદ ગ્રહણ કરશે.
આ વિશાળ સંખ્યામાં ભક્તો માટે ભોજન તૈયાર કરવા આયોજકો દ્વારા પરંપરાગત પદ્ધતિ અપનાવી 10 મોટા દેશી ચૂલા બનાવવામાં આવ્યા છે. આ ચૂલાઓ પર સતત 3 દિવસ સુધી રસોઈ બનાવવામાં આવશે. ભોજન તૈયાર કરવા માટે અંદાજે 100 મણ લાકડાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આયોજકોના જણાવ્યા મુજબ, ગેસના વધતા ભાવ અને ઉપલબ્ધતાની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ વ્યવહારુ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ લાકડાના ચૂલા પર ધીમા તાપે બનતી રસોઈ વધુ સ્વાદિષ્ટ, સુગંધિત અને શુદ્ધ હોવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ હાઈટેક યુગમાં પણ પરંપરાગત રીતને જીવંત રાખવાનો આ પ્રયાસ શ્રદ્ધાળુઓમાં ખાસ આકર્ષણ જગાવી રહ્યો છે. મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં ધાર્મિક માહોલ સર્જાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR