
મહેસાણા, 28 માર્ચ (હિ.સ.) વિસનગર શહેરના મહેસાણા ચોકડી વિસ્તારમાં આવેલી કેનાલમાં ગંદકીના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધતા સ્થાનિક રહીશોમાં રોગચાળાની દહેશત ફેલાઈ છે. લાંબા સમયથી સફાઈ ન થવાને કારણે કેનાલમાં જંગલી વેલ, કચરો અને ગંદુ પાણી જમા થતાં મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.
રહીશોનું કહેવું છે કે વરસાદી પાણીની આ કેનાલમાં નિયમિત સફાઈ ન થવાને કારણે પાણી સતત ભરાયેલું રહે છે, જેના કારણે આસપાસની સોસાયટીઓમાં મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે. સાથે જ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાને કારણે પણ પાણી ભરાઈ રહે છે, જે સમસ્યાને વધુ ગંભીર બનાવે છે.
સ્થાનિકોએ નગરપાલિકા પાસે તાત્કાલિક ધોરણે કેનાલમાંથી જંગલી વેલ અને કચરો દૂર કરી સફાઈ કરવાની માંગ કરી છે. ઉપરાંત, મહેસાણા ચોકડી અને આસપાસના વિસ્તારોમાં ફોગિંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ પાણીની લીકેજ સમસ્યા દૂર કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
રહીશોએ ચેતવણી આપી છે કે, જો સમયસર પગલાં નહીં લેવાય તો વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR