
મહેસાણા ,28 માર્ચ (હિ.સ.) મહેસાણા શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન ટ્રક ચાલકોની બેદરકારીને કારણે બે અલગ-અલગ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, જેમાં દંપતી સહિત એસ.ટી. બસના કંડક્ટરને ઈજાઓ પહોંચી છે. બંને મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રથમ ઘટનામાં, ગાંધીનગરના છત્રાલ બિલેશ્વરપુરા ખાતે રહેતા રમેશભાઈ ભગવાનદાસ શ્રીમાળી અને તેમની પત્ની જ્યોત્સનાબેન પોતાના વતન કામલીથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે મહેસાણા બાયપાસ ડી-માર્ટ સર્કલ પાસે RJ GF 9009 નંબરના ટ્રક ચાલકે તેમની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં રમેશભાઈને જમણા પગે અને જ્યોત્સનાબેનને ડાબા પગે ગંભીર ફેક્ચર થયું હતું. બંનેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.
બીજી ઘટનામાં, પાંચોટ ચોકડી પાસે વાપી-ચાણસ્મા સ્લીપર કોચ એસ.ટી. બસને અજાણ્યા ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કંડક્ટર પંકજકુમાર મુનિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે બંને મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.,
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR