

મહેસાણા, 29 માર્ચ (હિ.સ.) : મહેસાણા ખાતે સરકારી જિલ્લા પુસ્તકાલયમાં નવનિર્મિત વિદ્યાર્થી અધ્યયન ખંડનું લોકાર્પણ કાર્યક્રમ આજે યોજાયો હતો. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા ગ્રંથાલય ખાતા, ગાંધીનગરના હસ્તક આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિરણસિંહ રાણા, શહેર સંગઠનના કાર્યકર્તાઓ, ગ્રંથાલયના નિયામક અને નાયબ નિયામક તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નવા અધ્યયન ખંડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે વિદ્યાર્થીઓ માટે આધુનિક અને સુવિધાસભર અભ્યાસ માટે ઉપયોગી બનશે.
સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે આવી સુવિધાઓ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રેરિત કરે છે અને સ્પર્ધાત્મક યુગમાં આગળ વધવા માટે મદદરૂપ બને છે. તેમણે વિદ્યાર્થીઓને પુસ્તકાલયનો વધુમાં વધુ ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા શિક્ષણ અને વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. નવા અધ્યયન ખંડથી વિદ્યાર્થીઓને શાંત અને અનુકૂળ વાતાવરણમાં અભ્યાસ કરવાની સુવિધા મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR