
જામનગર, 31 માર્ચ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે વિરોધપક્ષની ભૂમિકામાં ત્રણ દાયકાથી રહેતા કોંગ્રેસે તાજેતરમાં જ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાના ભાગરૂપે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની કુલ 64 બેઠકો ઉપર 188 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવા અભરખો વ્યકત કર્યો હતો. ખાસ કરીને દાવેદારોનો મધપૂડો સૌથી વધુ વોર્ડ નં.1, 12 ઉપરાંત 2, 4, 6, 11, 13, 15 અને 16માં દેખાયો હતો. જયારે અન્ય વોર્ડમાં ભાજપની ભારે પકડ હોવાથી દાવેદારો પણ ઓછા નોંધાયા હોવાનું જાણવા મળે છે.
જામનગર મહાનગરપાલિકાની બોડીની મુદત 11 માર્ચના રોજ પૂરી થયાને પગલે વહીવટદાર શાસન આવ્યું છે. આ સાથે જ 64 કોર્પોરેટરોના નામની આગળ માજી શબ્દ લાગી ગયો છે. તાજેતરમાં પૂરી થયેલી બોડીમાં ભાજપના 50 કોર્પોરેટર હતા જયારે કોંગ્રેસના 8, આપના 3 અને બસપા 3 કર્પોરેટરનો સમાવેશ થયો હતો.
મહાનગરપાલિકાની ફેબ્રુઆરી 2021માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના 11 કોર્પોરેટર ચૂંટાયા હતા પરંતુ છેલ્લા ત્રણેક માસ પહેલા વોર્ડ નં.12ના કોર્પોરેટર અસ્લમ કરીમ ખીલજી, ફેબીદા હાજી રીઝવાન અને તે પછી જૈનબબેન ખફીએ કોંગ્રેસના હાથનો સાથ છોડયો હતો.
ખાસ કરીને વોર્ડ નં.12માંથી કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા અને વિરોધપક્ષના નેતા તરીકે રહી ચુકલા અસ્લમ ખીલજી અને અલ્તાફ ખફી વચ્ચે રાજકીય ગેંગવોર ઘણા સમયથી ચાલે છે. છેલ્લે અસ્લમ ખીલજી ઉપર થયેલા ખૂની હુમલામાં સંડોવાયેલા શખ્સોએ અલ્તાફ ખફીના કહેવાથી હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. આ ઘટના બની ત્યાં સુધી કોંગ્રેસના મોવડીઓ તેના જ બે કોર્પોરેટરો વચ્ચેના ગજગ્રાહનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ ગયા હતા.
આ મામલે ફરિયાદ નોંધાયા પછી પણ પોલીસે અલ્તાફ ખફી સહિતના આરોપીઓ પ્રત્યે દાખવેલા કુણા વલણ પાછળ કોંગ્રેસ અને ભાજપના અમુક નેતાની મીઠી નજર જવાબદાર હોવાનું લાગતા અસ્લમ ખીલજી અને તેના સાથી કોર્પોરટરે કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હોવાની ચર્ચા ચાલે છે.
હવે જયારે ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થઇ ગઇ છે અને એકાદ માસના ગાળામાં જ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આવી રહી છે ત્યારે ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા કોંગ્રેસે શરૂ કરી નગારે ઘા માર્યો છે. તાજેતરમાં શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના નિરિક્ષકોએ આવી દાવેદારો અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સાંભળી સેન્સ મેળવી હતી.
કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમ્યાન 188 જેટલા કાર્યકરોએ 16 વોર્ડની કુલ 64 બેઠક ઉપર ટિકીટની માંગણી કરી છે. કોંગ્રેસના સુત્રોના જણાવ્યા અનુસાર જે વોર્ડમાં કોંગ્રેસની બેઠક આવવાની વધુ શકયતા છે તેવા વોર્ડ નં.12 અને વોર્ડ નં.1માં સૌથી વધુ દાવેદારો નોંધાયા છે.
આમ પણ રાજકારણમાં મધ હોય ત્યાં માખી વધારે બેસે તે સ્વાભાવિક છે. આ ઉપરાંત ભાજપમાં જે રીતે ટિકીટોમાં ફેરફારની વાતો ચાલે છે તેને ધ્યાનમાં રાખીને વોર્ડ નં.2, 4, 6, 9, 11, 15 અને 16માં પણ કોંગ્રેસને અપેક્ષા કરતા વધુ દાવેદાર મળ્યા છે. જયારે અન્ય વોર્ડમાં ભાજપની પકડને કારણે ઓછા દાવેદારો મળ્યા છે.
એવુ પણ જાણવા મળે છે કે, ભાજપ કરતા કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત વહેલી કરશે કેમ કે, મોટા ભાગના વોર્ડમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ન હોવાથી એટલે કે, ગત ટર્મમાં તેના કોર્પોરેટર ન હોવાથી તેના ઉમેદવારને ચૂંટણી પ્રચાર માટે વધુ સમય જોઇએ તે સ્વાભાવિક છે.
એમ પણ માનવામાં આવે છે કે, આપમાં ગયેલા તત્કાલિન કોર્પોરેટર સિવાયના બાકીના 8 કોર્પોરેટરને કોંગ્રેસ ફરી ટિકીટ આપવાના મૂડમાં છે. આથી આ કોર્પોરેટરોને સહારે બેઠક જીતવી કોંગ્રેસને આસાન લાગે છે. પરંતુ વોર્ડ નં.12માં કે જે આમ કોંગ્રેસનો ગઢ ગણાય છે ત્યાં 3 શકિતશાળી કોર્પોરેટર કોંગ્રેસ છોડી ગયા હોવાથી ત્યાં ચૂંટણી જીતવી પણ કોંગ્રેસ માટે રાજકીય અસ્તિત્વ ટકાવવાનો એક પડકાર બની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt