
અમરેલી, 31 માર્ચ (હિ.સ.) : અમરેલી શહેરના હનુમાનપરા વિસ્તારમાં રોડ ખોદી નાખ્યા બાદ લાંબા સમયથી ફરી બનાવવામાં ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. અમરેલી નગરપાલિકા દ્વારા વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ હનુમાનપરામાં વિકાસની જગ્યાએ લોકો માટે મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા રોડ ખોદી નાખ્યા બાદ કામ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યું છે, જેના કારણે ધૂળ, કાદવ અને ખાડાઓથી ભરેલા રસ્તાઓ પર અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને દૈનિક મુસાફરી કરનારા લોકોને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા દ્વારા સુવિધા આપવા બદલે દુવિધા ઉભી કરવામાં આવી છે. અનેક વખત રજૂઆત છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં લોકોમાં અસંતોષ વધ્યો છે.
હનુમાનપરા વિસ્તારમાં હવે લોકો દ્વારા તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરવાની માંગ ઉઠી છે. જો સમયસર સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવનારા સમયમાં સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai