
નવસારી, 08 માર્ચ (હિ.સ.): નવસારીમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમ સાથે ગેરવર્તન અને કાર હંકારવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બે ભાઈઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, નવસારી મનપામાં ફરજ બજાવતા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વિશાલભાઈ રાઠોડ પોતાની ટીમ સાથે ગઈકાલે એપીએમસી માર્કેટ વિસ્તારમાં ચેકિંગ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન લક્ષ્ય પ્લાસ્ટિક નામની દુકાન નજીક ઉભેલી ઇકો કાર (નંબર GJ-21-CA-0502)માંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો.
આ બાબતે અલ્પેશ નાકરાણી અને દર્શિત નાકરાણી નામના બે ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મનપાની ટીમ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આરોપ છે કે અલ્પેશ નાકરાણીએ ત્યાંથી બચવા માટે કાર સીધી મનપાના કર્મચારીઓ તરફ દોડાવી દીધી, જેના કારણે જાનથી મારી નાંખવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ મૂકાયો છે.
આ ઘટનાને લઈ મનપાના કર્મચારીઓએ બંને ભાઈઓ સામે સરકારી ફરજમાં અવરોધ ઉભો કરવો તથા ધમકી આપવાના ગુનાઓ હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે વધુ તપાસ પીઆઇ વી.જી. ભરવાડ કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે