
- ૩૫ સગર્ભા બહેનોનું આરોગ્ય તપાસ કરી ૨૫ કિશોરીઓને HPVની રસી અપાઇ
ગીર સોમનાથ 9 માર્ચ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં પ્લાન ઇન્ટરનેશનલ (ઇન્ડિયા ચેપ્ટર) દ્વારા અમલમાં મૂકાયેલા ‘Self Care for New Moms & Kids under 5’ પ્રોજેક્ટ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાવ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. એચ.ટી.કણસાગરાએ જણાવ્યું હતું કે, બાળકના જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. બાળક ગર્ભમાં હોય ત્યારે જ તેના શારીરિક અને માનસિક વિકાસની શરૂઆત થઈ જાય છે. તેથી ગર્ભવતી માતાએ પોતાના આરોગ્ય અને પોષણની ખાસ કાળજી લેવી ખૂબ જરૂરી છે.
ડૉ. સિદ્ધાર્થ ફાટકે જણાવ્યું હતું કે, આપણે એવો વિશ્વ રચવો જોઈએ જ્યાં દરેક મહિલા અને દીકરી સુરક્ષિત, આર્થિક રીતે સશક્ત અને પોતાના નિર્ણયો લેવા સક્ષમ બને. જ્યારે સ્ત્રી સશક્ત બને છે ત્યારે પરિવાર, સમાજ અને દેશ પણ મજબૂત બને છે. આ વર્ષની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “તમામ મહિલાઓ અને દીકરીઓ માટે અધિકાર, સમાનતા અને સશક્તિકરણ” હતી.
પ્લાન ઇન્ટરનેશનલ તરફથી સેલ્ફ કેર પ્રોજેક્ટના બ્લોક ઓફિસર દેવ ચારીયાએ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી તાલાલા તાલુકાના ૨૦ ગામોમાં ડાયેરિયા અને ન્યુમોનિયા નિવારણ માટે વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સ્વચ્છતા જાળવવી, આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો અને યોગ્ય આરોગ્ય આચાર અપનાવવાથી આવા રોગોથી બચી શકાય છે.
આ કાર્યક્રમમાં ૧૦૦ ગર્ભવતી મહિલાઓ અને કિશોરીઓને હાઇજીન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સેલ્ફ કેર પ્રોજેક્ટની કમ્યુનિટી હેલ્થ વર્કર આસ્તાના મૂળીમા દ્વારા ‘Self Care Meal Plate Game’ મારફતે પોષણયુક્ત આહાર વિશે માહિતી આપવામાં આવી હતી. તેમાં હિમોગ્લોબિન, વિટામિન, પ્રોટીન અને કેલ્શિયમથી સમૃદ્ધ ખોરાક લેવાની મહત્વતા સમજાવવામાં આવી હતી તથા હાથ ધોવાની યોગ્ય પદ્ધતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૩૫ સગર્ભા બહેનોનું આરોગ્ય તપાસ કરી ૨૫ કિશોરીઓને HPVનું રસીકરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલાલા સી.ડી.પી.ઓ. ભેનીબેન સોલંકી, ડૉ. દિશા બારડ, કેતનભાઈ કોટડીયા, રેખાબેન ગોહેલ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ