
પાટણ, 08 માર્ચ (હિ.સ.)હારીજના માર્કેટયાર્ડ રોડ પર ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડીના કારણે બાઇક સવાર ઇજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટના રવિવારે બપોરના સમયે બની હતી, જેમાં બાઇક ચાલકના હાથમાં ઇજા પહોંચી હતી.
હારીજના જલારામ પાર્કમાં રહેતા મુકેશકુમાર પ્રભુરામ ઠક્કર પોતાની દુકાન તરફ બાઇક લઈને જઈ રહ્યા હતા. માર્કેટયાર્ડ સામેના મુખ્ય રોડ પર ભૂગર્ભ ગટરની કુંડીનું ઢાંકણું ખુલ્લું હોવાથી બાઇકનું આગળનું ટાયર તેમાં સરકી ગયું અને બાઇક પટકાયું. અકસ્માતમાં મુકેશકુમાર આગળ ફંગોળાઈ પડતા તેમના હાથમાં ઇજા થઈ હતી.
આ ઘટનાને લઈને મુકેશકુમાર ઠક્કરે હારીજ પોલીસ સ્ટેશનમાં નગરપાલિકાની બેદરકારી સામે લેખિત રજૂઆત કરી છે. તેમણે નગરપાલિકા સામે એફઆઈઆર નોંધવાની માંગણી કરી છે અને જણાવ્યું છે કે બેદરકારીના કારણે તેમની જાન માંડ બચી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ