

પાટણ, 08 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પિપરાળા ગામે વીર યદુવંશી દગાયચા દાદા (ડાંગર) મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંદિર ખાતે પૂજા-અર્ચના કરી અને આયોજકો તથા આહીર સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પાટણની પવિત્ર ધરતી પર યોજાયેલ આ પાવન અવસર સમગ્ર સમાજ માટે ગૌરવનો વિષય છે. આવા ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે.
તેમણે જણાવ્યું કે યદુવંશી આહીર સમાજ ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર વંશ સાથે જોડાયેલો છે અને સદીઓથી પશુપાલન, ખેતી તથા શૌર્ય-પરાક્રમની પરંપરા જાળવી રાખી છે. ઇતિહાસ મુજબ વિક્રમ સંવત 1300માં ડગાયચા દાદાએ કચ્છમાં તુણા ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હતું, જેના કારણે આહીર સમાજ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વસ્યો.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે દેશને પોતાની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસા સાથે ફરી જોડવામાં આવી રહ્યું છે. તીર્થસ્થાનોના વિકાસથી પર્યટન વધે છે અને સ્થાનિક અર્થતંત્રને નવી શક્તિ મળે છે.
આ પ્રસંગે મંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં આહીર સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ વીર યદુવંશી દગાયચા દાદાના શૌર્ય દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ