
પાટણ, 08 માર્ચ (હિ.સ.)સિદ્ધપુરના મંડી બજાર ચોકમાં આવેલ પ્રાચીન રાધાકૃષ્ણ મંદિરમાં આજરોજ 122મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે ભગવાન રાધાકૃષ્ણને વિશેષ મહાપૂજા અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો.
મંડી બજારમાં આવેલું આ રાધાકૃષ્ણ મંદિર આશરે 122 વર્ષ જૂનું છે. તેની સ્થાપના દવે પરિવારના વંશજો દ્વારા કરવામાં આવી હતી. ગાયકવાડ સરકાર પાસેથી જમીન મેળવી વાણિક પરિવારે મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ભૂતકાળમાં ડોંગરેજી મહારાજ અને સત્યપ્રસંગજી મહારાજ જેવા પ્રખ્યાત સંતો પણ અહીં મુલાકાત લઈ ચૂક્યા છે.
મંદિરમાં વર્ષ દરમિયાન અન્નકૂટ મહોત્સવ, જન્માષ્ટમી અને નવરાત્રી જેવા વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવાય છે. ઉપરાંત ભાગવત કથાકાર શ્રીકાંતભાઈ દવે દ્વારા ભાગવત કથાનું આયોજન તેમજ મહિલા મંડળ દ્વારા વ્રત અને સત્સંગના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ