
નવસારી, 08 માર્ચ (હિ.સ.): કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે ગણદેવી તાલુકાના ખાપરીયા ગામે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ, નવસારી દ્વારા રૂ. 3.51 લાખના ખર્ચે નિર્માણ કરાયેલા પરકોલેશન પિટ, બોર ડ્રિલિંગ અને રિચાર્જ પિટની મુલાકાત લીધી હતી. આ કામગીરી દ્વારા વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળસ્તર વધારવા માટે મહત્વપૂર્ણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
આ પ્રસંગે તેમણે વોટર હાર્વેસ્ટિંગ અને રૂફટોપ રેન વોટર હાર્વેસ્ટિંગ કામગીરીનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ પ્રોજેક્ટથી વિસ્તારમાં પાણી સંરક્ષણને પ્રોત્સાહન મળશે અને ગ્રામ્ય વિસ્તારોમાં જળ વ્યવસ્થાપન વધુ મજબૂત બનશે.
આ મુલાકાત દરમિયાન રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ , જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ , નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઈ ,
ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગના અધિક સચિવ અને મિશન ડાયરેક્ટર કમલ કિશોર સોન,નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે , જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા , નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે