
સુરત, 09 માર્ચ (હિ.સ.) : સુરત શહેરને ગ્લોબલ સ્માર્ટ સિટી બનાવવા તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ડુમસ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકાના રૂ. 166 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (ફેઝ-૧)નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ.673.13 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂ.247.80 કરોડના નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલએ જણાવ્યું હતું કે એક સમયે અસ્વચ્છ ગણાતું સુરત આજે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન પામ્યું છે. શહેરીજનોની જાગૃતિ, જનપ્રતિનિધિઓની મહેનત અને સુવ્યવસ્થિત આયોજનના કારણે સુરતે વિકાસના નવા માપદંડ સ્થાપિત કર્યા છે. તેમણે સ્વચ્છતા માટે સફાઈ મિત્ર અને શિસ્તબદ્ધ નાગરિકોને શ્રેય આપ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે ડુમસ સી-ફેસ પ્રોજેક્ટ સુરતના પ્રવાસન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે અને આવનારા સમયમાં શહેરની નવી ઓળખ બની શકે છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ પ્રોજેક્ટ સુરતને આંતરરાષ્ટ્રીય સ્તરના ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ બનશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ડુમસ સી-ફેસ પ્રોજેક્ટ સુરતને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ અપાવશે. વિશ્વસ્તરીય માપદંડો મુજબ તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટ માટે તેમણે સુરત મહાનગરપાલિકા અને ટીમ સુરતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નાગરિકોને આ સ્થળને સ્વચ્છ અને સુઘડ રાખવાની અપીલ પણ કરી હતી.
મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે ડુમસ વર્ષોથી સુરત અને આસપાસના લોકો માટે મહત્વનું પર્યટન સ્થળ રહ્યું છે. સી-ફેસ પ્રોજેક્ટના વિકાસથી ડુમસની સુંદરતામાં વધારો થશે અને સુરતનું પ્રવાસન નકશામાં સ્થાન વધુ મજબૂત બનશે.
આ પ્રસંગે રાંદેર ખાતે રૂ.271.63 કરોડના ખર્ચે 160 MLD ક્ષમતાવાળો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભેસ્તાન અને પાલનપોર-ભેંસાણમાં આધુનિક આવાસો, રૂ. 56 કરોડના ખર્ચે ૬.3 મેગાવોટ ક્ષમતાવાળો વિન્ડ પાવર પ્લાન્ટ તેમજ લિંબાયત અને ગોપીપુરામાં કોમ્યુનિટી હોલ સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
સાથે જ ઉધના અને વેસ્ટ ઝોનમાં સિમેન્ટ કોંક્રિટ રસ્તાઓ, સરથાણા વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ અને મહારાણા પ્રતાપ ગાર્ડનના રી-ડેવલપમેન્ટ, સીમાડા-સરથાણા જંક્શન પાસે ફ્લાયઓવર નીચે રેમ્પ નિર્માણ તેમજ નવા વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક અને સુએજ પમ્પિંગ સ્ટેશનો સહિત રૂ.247.80 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્યો સંદીપ દેસાઈ અને સંગીતા પાટીલ, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન, કોર્પોરેટરો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે