
ગાંધીનગર, 16 એપ્રિલ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના બીજા એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનું ગાંધીનગરમાં ઉદઘાટન કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર તથા ઈન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રેન્યોરશીપના સમન્વયથી ડેવલપમેન્ટનું રોલ મોડલ બન્યુ છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગાંધીનગરના એક્ઝીબિશન સેન્ટર ખાતે 18000 ચોરસ મિટરની વિશાળ જગ્યામાં 16થી વધુ વિવિધ સેક્ટર્સના સ્ટોલ્સ સાથેના એન્યુઅલ ટ્રેડ એક્સપોમાં ઓટોમોબાઈલ, રિન્યુએબલ એનર્જી, આઈ.ટી., ફાર્માસ્યુટીકલ્સ અને ટેક્સટાઈલ્સ તથા એ.આઈ. અને સાઈબર સિક્યુરીટી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ગુજરાત એડવાન્સ્ડ ટેક્નોલોજી એન્ડ ઈકોનોમી એક્સ્પો-2026 તા.16 થી 18 એપ્રિલ દરમિયાન યોજાઈ રહ્યો છે.
મુખ્યમંત્રીએ ગુજરાત વિઝન – ગ્લોબલ એમ્બિશનની થીમ સાથે યોજાઈ રહેલો આ એક્સપો એમ.એસ.એમ.ઈ. અને યુવા સાહસિકો માટે લોકલથી ગ્લોબલનું પ્લેટફોર્મ પુરુ પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દેશના જી.ડી.પી.માં ગુજરાત 8.3 ટકા, ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં 18 ટકા અને એક્સપોર્ટમાં 31 ટકાનો ફાળો આપે છે. વિકસિત ભારતના નિર્માણની સંકલ્પ સિદ્ધિ માટે અર્નિંગ વેલ-લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત @ 2047 રોડમેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે તેમ મુખ્યમંત્રીએ ગુજરાતની વિવિધ ક્ષેત્રોની સિદ્ધિઓની ભૂમિકા આપતા જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047નું જે આહવાન કર્યુ છે તેને ગુજરાતની ક્ષમતાઓ રાજ્ય સરકાર સાથે સહયોગ કરીને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ વિશ્વ સ્તરે વિકસાવીને પાર પાડશે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ટ્રેડ એક્સપોની આ બીજી કડીની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ટોરેન્ટ પાવર લિમિટેડના વાઇસ ચેરમેન અને એમડી જીનલ મહેતાએ કહ્યું હતું કે, હાલમાં વૈશ્વિક જીઓપોલિટિકલ અનિશ્ચિતતા ચાલી રહી છે, ત્યારે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતમાં ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે મહત્વની નીતિઓ ઘડીને એક નવી દિશા આપવામાં આવી રહી છે. ગુજરાત સરકાર પણ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં સહભાગી બનીને ઉદ્યોગોના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવી રહી છે. રાજ્યમાં GCCI દ્વારા ઇન્ડસ્ટ્રીઝને નોંધપાત્ર સહયોગ આપવામાં આવી રહ્યો છે. વધુમાં, તેમણે વોઇસ ઓફ ગ્લોબલ ડોમિનન્સ, ક્વોલિટી, ઓપરેશન, બેન્ચમાર્ક, સપ્લાય ચેન અને સ્ટ્રેટેજિક એલાયન્સ વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે GCCI ના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રદર્શનમાં 610 જેટલા એક્ઝિબિટરનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, આ ઉપરાંત અંદાજે 30 હજાર કરતાં વધુ મુલાકાતીઓએ નોંધણી કરાવી છે અને તે 50 હજાર સુધી પહોંચવાની શક્યતા છે.
આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરા પટેલ, ધારાસભ્ય રીટા પટેલ, CREDAI નેશનલના પ્રેસિડેન્ટ શેખર પટેલ, GCCIના સીની. વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ ગાંધી, ADC બેન્કના ચેરમેન અજય પટેલ, GCCIના સેક્રેટરી સુધાંશુ મહેતા જેવા અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ