
ગીર સોમનાથ 16 એપ્રિલ (હિ.સ.) : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ પરિસરમાં કુલપતિ અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી થયો. સ્વાગત ભાષણ તથા પ્રાસ્તાવિક અનુસ્નાતક ભવનના નિયામક પ્રો. વિનોદકુમાર ઝાએ કર્યું.
અત્રેની યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાએ આ અવસરે કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિને સન્માનના શબ્દો અને શુભકામનાઓ અર્પણ કરી. વિશ્વવિદ્યાલય સંચાલિત મહાવિદ્યાલયના પ્રાચાર્ય ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યાએ પોતાના ઉદ્બોધનમાં શુભેચ્છા શબ્દો દ્વારા અભિનંદન વ્યક્ત કર્યાં.
વિશ્વવિદ્યાલય પરિસરના અધિકારીઓ અને અધ્યાપકો દ્વારા અત્રેના કુલપતિને પ્રશસ્તિપત્ર અને શાલ અર્પણ કરવામાં આવ્યા. અંતે કુલપતિએ આ અવસરે જણાવ્યું કે કર્ણાટક સરકારની કર્ણાટક સંસ્કૃત વિશ્વવિદ્યાલય, બેંગલોર દ્વારા માનદ વિદ્યાવાચસ્પતિ (D.Litt.)ની ઉપાધિથી મારું માત્ર નહિ, પરંતુ સમગ્ર વિશ્વવિદ્યાલયના દરેક વ્યક્તિનું સન્માન થયું છે. આ રીતે તેમણે સૌને પ્રેરિત અને ઉદ્બોધિત કર્યા.
પ્રશસ્તિપત્રનું લેખન ડૉ. રાહુલકુમાર ઝાએ કર્યું હતું અને તેનું વાચન સાહિત્ય વિભાગની સહાયક આચાર્યા ડૉ. રામકુમારી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક અધિકારીઓ, કર્મચારીઓ, વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને સંશોધન વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમમાં આભારવિધિ પરીક્ષા નિયામક ડૉ. યોગેશકુમાર પટેલે કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વેદ વિભાગના સહાયક આચાર્ય ડૉ. રાહુલકુમાર ઝાએ કર્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ