

કચ્છ, 16 એપ્રિલ (હિ.સ.) કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક અસંતોષ હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યો છે. ભુજની જૈન સમાજની મહિલા અગ્રણી અને સક્રિય કાર્યકર માનસી શાહે પાર્ટીના તમામ પદોથી રાજીનામું આપી રાજકીય વર્તુળોમાં ચકચાર મચાવી દીધી છે. તેમના રાજીનામા સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિ.કે. હુંબલ સામે ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે, જેનાથી ચૂંટણી પહેલા પાર્ટીની સ્થિતિ વધુ નબળી બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
માનસી શાહ વર્ષ 2015થી કોંગ્રેસ સાથે જોડાયેલી હતી અને જિલ્લા પ્રવક્તા, જિલ્લા મંત્રી સહિત અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂકી હતી. લાંબા સમયથી સક્રિય રહી ચૂકેલી આ મહિલા નેતાએ પોતાના રાજીનામામાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે હાલની ચૂંટણી પ્રક્રિયામાં “વેપાર અને ગોટાળાની નીતિ” અપનાવવામાં આવી રહી છે, જેના કારણે વફાદાર કાર્યકરોને અવગણવામાં આવી રહ્યા છે.
તેમણે આક્ષેપ કર્યો છે કે કેટલીક બેઠકોમાં જાણબૂઝીને નબળા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા, જેથી તેઓ સામેથી બિનહરીફ થઈ જાય. આ સમગ્ર પ્રક્રિયામાં મોટા પાયે ગોટાળો થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ઓડિયોનો ઉલ્લેખ કરતાં તેમણે ટિકિટ વહેંચણીમાં “ભાવતાલ અને વહીવટ” જેવી પ્રવૃત્તિઓ થતી હોવાના આરોપો મૂક્યા છે.
મહિલા અગ્રણીએ વધુમાં જણાવ્યું કે જિલ્લા પ્રમુખ દ્વારા આવા આક્ષેપો સામે કડક કાર્યવાહી કરવાની જગ્યાએ સંડોવાયેલા તત્વોને બચાવવાનો પ્રયાસ થયો. તેમણે બ્લેકમેલિંગ કરતા તત્વોને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. “પક્ષમાં હવે વફાદારી કરતાં દબાણ અને સ્વાર્થનું પ્રભાવ વધ્યું છે,” એમ તેમણે વ્યથા વ્યક્ત કરી હતી.
આ રાજીનામા સાથે કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ વધુ સ્પષ્ટ બન્યા છે. અગાઉ પણ નખત્રાણા અને મુન્દ્રા વિસ્તારમાં ટિકિટ વહેંચણીને લઈને અસંતોષ સામે આવ્યો હતો. હવે ભુજમાંથી આવેલા આ રાજીનામાએ પાર્ટી માટે મોટી રાજકીય મુશ્કેલી ઊભી કરી છે.
બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિ.કે. હુંબલે તાજેતરમાં પત્રકાર પરિષદમાં તંત્ર, પોલીસ અને એક ઉદ્યોગપતિ પર દબાણ અને ધમકીઓના આરોપો લગાવ્યા હતા. જો કે, ઉદ્યોગપતિનું નામ જાહેર કરવા અંગે તેઓ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા, જેને કારણે તેમની વિશ્વસનીયતા પર પણ સવાલો ઊભા થયા છે.
રાજકીય વિશ્લેષકોના મત અનુસાર કચ્છ જિલ્લામાં હાલ કોંગ્રેસ માટે જીતની સંભાવનાઓ ખૂબ જ સીમિત છે અને લખપત સિવાયના વિસ્તારોમાં પાર્ટી સંઘર્ષ કરી રહી છે. આ વચ્ચે પક્ષની અંદરથી આવી રહેલા વિરોધના અવાજો અને રાજીનામાઓ કોંગ્રેસ માટે વધુ પડકારરૂપ બની શકે છે.
ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ માટે આંતરિક એકતા જાળવવી સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar