
મહેસાણા, 16 એપ્રિલ (હિ.સ.) એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ ઊંઝા એપીએમસીમાં પીક સીઝન દરમિયાન રોકડની અછતની ગંભીર સમસ્યા ઊભી થતાં ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે ઊંઝા એપીએમસી દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે વ્યક્તિગત રીતે મુલાકાત કરી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે.
એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલના પત્રમાં જણાવ્યા મુજબ, ફેબ્રુઆરીના અંતથી જૂનના પ્રથમ સપ્તાહ સુધી જીરું, વરિયાળી, રાયડો, ઇસબગુલ અને તલ જેવી ખેતપેદાશોની લાખો બોરીઓની આવક થાય છે. આ વર્ષે ઉત્પાદન ગત વર્ષની સરખામણીમાં બમણું થવાની શક્યતા છે, જેના કારણે રોકડની માંગ વધી છે.
સરકાર દ્વારા વેપારીઓને રોકડ ચુકવણી માટે ટીડીએસ માંથી છૂટ આપવામાં આવી છે, છતાં સ્થાનિક બેંકોમાં પૂરતી રોકડ ઉપલબ્ધ ન હોવાથી વ્યવહારમાં અડચણો ઊભી થઈ રહી છે. સાંસદ હરિભાઈ પટેલે આરબીઆઈ અને બેંકિંગ તંત્રને તાત્કાલિક જરૂરી માર્ગદર્શન આપવા માંગ કરી છે.
ખેડૂતોને સમયસર ચૂકવણી મળે અને બજારમાં વ્યવહાર સુગમ બને તે માટે ઝડપથી નિર્ણય લેવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR