
મહેસાણા, 16 એપ્રિલ (હિ.સ.) : પાટણ સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ઘાસચારા પાકોમાં હેરી કેટરપિલરનો ઉપદ્રવ વધતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને રઝકો જેવા પશુઆહાર માટે મહત્વના પાકોમાં પાન ખાનાર આ ઇયળના પ્રકોપથી નુકસાનની ભીતિ વધી રહી છે. જિલ્લા ખેતીવાડી વિભાગે ખેડૂતોને સમયસર નિયંત્રણ પગલાં લેવા સૂચના આપી છે.
કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હેરી કેટરપિલર પાનને નુકસાન પહોંચાડી પાકની વૃદ્ધિ અટકાવે છે અને શરૂઆતમાં નિયંત્રણ ન કરવામાં આવે તો ઝડપથી ફેલાઈ શકે છે. નિયંત્રણ માટે સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) પદ્ધતિ અપનાવવાની ભલામણ કરવામાં આવી છે. ખેતરની આસપાસ સફાઈ રાખવી, પ્રકાશપિંજર ગોઠવવા અને પ્રતિ હેક્ટર 8 થી 50 ફેરોમોન ટ્રેપ લગાવવાથી જીવાતના પ્રજનન પર અસર પડે છે.
પ્રારંભિક તબક્કામાં ઇંડા અને નાની ઇયળોને નાશ કરવો અસરકારક માનવામાં આવે છે. જૈવિક નિયંત્રણ માટે 250 ઇયળ એકમ એન.પી.વી. દ્રાવણ 100 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી છે. વધુ ઉપદ્રવ હોય તો એઝાડીરેક્ટીન અથવા અન્ય ભલામણ કરેલી દવાઓનો ઉપયોગ કરવો.
ખેડૂતોને દવાઓ વાપરતી વખતે સૂચનાઓનું પાલન કરવા અને વધુ માર્ગદર્શન માટે ખેતીવાડી અધિકારીઓનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR