કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો જંગ ગરમાયો: 26 બેઠક બિનહરીફ, હવે 422 બેઠક માટે સીધી ટક્કર
કચ્છ, 16 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આવનારી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સમગ્ર ચિત્ર સ્પષ્ટ બન્યું છે. જિલ્લામાં કુલ 448 બેઠકમાંથી 26 બેઠક ભાજપે
Election


કચ્છ, 16 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આવનારી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સમગ્ર ચિત્ર સ્પષ્ટ બન્યું છે. જિલ્લામાં કુલ 448 બેઠકમાંથી 26 બેઠક ભાજપે બિનહરીફ જીતી લેતાં હવે બાકી રહેલી 422 બેઠક માટે જંગ જામવાનો છે.

આ ચૂંટણીમાં કુલ 1571 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી ચકાસણી દરમિયાન 423 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. અંતિમ દિવસે 58 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતાં હવે 1090 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં બાકી રહ્યા છે. ગત ચૂંટણીની સરખામણીમાં ઉમેદવારોની સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ બિનહરીફ બેઠકોની સંખ્યા 10માંથી વધીને 26 થતાં રાજકીય વ્યૂહરચનામાં મોટો ફેરફાર નોંધાયો છે.

જિલ્લામાં ગાંધીધામ મહાનગરપાલિકા, કચ્છ જિલ્લા પંચાયતની 38 બેઠક, પાંચ નગરપાલિકા અને નવ તાલુકા પંચાયત માટે મતદાન યોજાનાર છે. ભાજપે જિલ્લા પંચાયતની 1 બેઠક, મહાનગરપાલિકાની 1 બેઠક, નગરપાલિકાની 15 બેઠક અને તાલુકા પંચાયતની 9 બેઠક બિનહરીફ કબજે કરી છે. ખાસ કરીને ભુજ અને અંજાર નગરપાલિકામાં સર્વાધિક ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે.

ગાંધીધામ મહાનગરપાલિકામાં 159 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે, જ્યારે કચ્છ જિલ્લા પંચાયતની 37 બેઠક માટે 100 ઉમેદવારો મેદાનમાં છે. ભુજ નગરપાલિકામાં 106, અંજારમાં 71, માંડવીમાં 77, મુંદરા-બારોઇમાં 60 અને નખત્રાણામાં 57 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. આ ઉપરાંત નવ તાલુકા પંચાયતોમાં કુલ 460 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે.

આ વખતે મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે, પરંતુ કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટી (AAP) અને AIMIMએ ઉમેદવારો ઊભા રાખતાં ચૂંટણી વધુ રસપ્રદ બની છે. કેટલાક વિસ્તારોમાં ત્રિપક્ષીય અને બહુપ્રતિસ્પર્ધી મુકાબલો પણ જોવા મળી શકે છે.

કાળઝાળ ગરમી વચ્ચે રાજકીય ગરમાવો પણ વધ્યો છે. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન કેટલીક જગ્યાએ વિરોધ અને તણાવની સ્થિતિ ઊભી થઈ હતી, પરંતુ મોટાભાગે સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. ઉમેદવારીના છેલ્લાં દિવસે રાજકીય પક્ષો વચ્ચે ભારે દાવપેચ અને સમજૂતીઓ જોવા મળી હતી.

આ ચૂંટણી કચ્છના સ્થાનિક શાસન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મતદારો હવે વિકાસ, સ્થાનિક પ્રશ્નો અને નેતૃત્વના આધારે પોતાનો નિર્ણય લેશે. 26 એપ્રિલે થનારી મતદાન પ્રક્રિયા બાદ જ કચ્છના રાજકીય ભવિષ્યની દિશા સ્પષ્ટ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande