
કચ્છ, 16 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય ઘરેલુ ઝઘડો ભયાનક હત્યામાં પરિવર્તિત થયો છે. મોટા ધાવડા ગામની સીમમાં આવેલી દાડમની વાડીમાં પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હોવાની ઘટના વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે.
મળતી માહિતી મુજબ, 35 વર્ષીય નબુબેન પોતાના પતિ જેન્તી મીઠુભાઈ કોલી સાથે વાડીમાં રહીને મજૂરી કામ કરીને જીવન ગુજારતા હતા. ગત દિવસે દંપતી વચ્ચે નાના મુદ્દાઓને લઈને વારંવાર બોલાચાલી થઈ હતી, જેના કારણે પત્ની નારાજ હતી.
રાત્રિના સમયે આશરે 10 વાગ્યે પતિએ પત્નીને ભોજન માટે રોટલા બનાવવા કહ્યું હતું, પરંતુ નારાજ પત્નીએ ઇન્કાર કર્યો હતો. આ વાતે ઉશ્કેરાયેલા પતિએ ગુસ્સામાં આવીને પત્ની પર ધોકા વડે હુમલો કર્યો અને પછી ચાકૂના ઘા મારીને નિર્દયી રીતે હત્યા કરી નાખી.
ઘટનાની ખબર સવારે સામે આવતા જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. મૃતદેહ વાડીના રસ્તા પાસે મળી આવ્યો હતો. હત્યા કર્યા બાદ આરોપી પતિ ભાગવાનો પ્રયાસ કર્યા વિના વાડીમાં જ રહ્યો હતો, જ્યાંથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
મૃતકના ભાઈ દેવજી તમાચી કોલીએ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ દુર્ઘટનામાં સૌથી વધુ કરુણ સ્થિતિ બે નાનકડા સંતાનોની બની છે, જેમણે માતાને ગુમાવી છે અને પિતા જેલમાં જતાં તેઓ અનાથ જેવી પરિસ્થિતિમાં મુકાયા છે.
આ બનાવ ફરી એકવાર સમાજને વિચારવા મજબૂર કરે છે કે ક્ષણિક ગુસ્સો અને અસમંજસ જીવનને કેટલું વિનાશકારી રૂપ આપી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar