
નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે લોકસભામાં તમામ પક્ષોને, સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ ખરડાઓને સર્વસંમતિથી પસાર કરવા વિનંતી કરી હતી જેથી તેનાથી મહિલાઓને 33 ટકા અનામત આપવાનો માર્ગ મોકળો થઈ શકે. તેમણે કહ્યું કે, દાયકાઓથી મહિલા અનામતને રોકવામાં આવી રહ્યું છે. હવે તેનું પ્રાયશ્ચિત કરવાનો સમય છે. તેઓ માને છે કે, દેશની પ્રગતિમાં મહિલાઓનું યોગદાન છે અને આપણે આ ઋણ સ્વીકારવું જોઈએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે લોકસભામાં સીમાંકન અને ત્યારબાદ મહિલા અનામત લાગુ કરવા સાથે જોડાયેલા ત્રણ ખરડાઓ પર એકસાથે ચાલી રહેલી ચર્ચામાં ભાગ લીધો હતો. ચર્ચા આવતીકાલ સુધી ચાલશે અને અંતમાં ગૃહમંત્રી તેનો જવાબ આપશે. આ ખરડાઓમાં એક બંધારણીય સુધારો ખરડો છે, જેને પસાર કરવા માટે સરકારને બે-તૃતીયાંશ બહુમતીની જરૂર છે.
ચર્ચામાં ભાગ લેતા એક તરફ પ્રધાનમંત્રીએ, ખરડાઓને રાજકીય ગણાવવાના વિપક્ષના આરોપોને નકારી કાઢ્યા હતા, તો બીજી તરફ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે સીમાંકનમાં કોઈ પણ રાજ્ય સાથે ભેદભાવ કે અન્યાય થશે નહીં. સાથે જ લોકસભાની બેઠકોમાં વધારો એ સમયની માંગ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, સંસદ અને વિધાનસભામાં મહિલાઓની ભાગીદારી વધવાથી ધારાસભાનું સામર્થ્ય વધશે. તેને રાજનીતિના ત્રાજવે ન તોળવું જોઈએ. આ રાષ્ટ્રહિતનો નિર્ણય છે. તેમણે કહ્યું, “આપણે એ અહંકારમાં ન રહીએ કે, આપણે દેશની નારી શક્તિને કંઈક આપી રહ્યા છીએ... જી ના! એ તેમનો હક છે. આપણે તેને ઘણા દાયકાઓથી રોકી રાખ્યો છે. આજે તેનું પ્રાયશ્ચિત કરી તે પાપમાંથી મુક્તિ મેળવવાની તક છે.”
મોદીએ આશ્વાસન આપતા કહ્યું કે, સરકારની દાનત સાફ છે અને આપણે શબ્દો સાથે રમવાની જરૂર નથી. તેમણે કહ્યું, “હું આજે મોટી જવાબદારી સાથે આ ગૃહને કહેવા માંગુ છું કે ભલે દક્ષિણ હોય, ઉત્તર હોય, પૂર્વ હોય, પશ્ચિમ હોય, નાના રાજ્યો હોય કે મોટા રાજ્યો હોય... આ નિર્ણય પ્રક્રિયા કોઈની પણ સાથે ભેદભાવ કે અન્યાય નહીં કરે. ભૂતકાળમાં જે સરકાર રહી, જેમના સમયમાં જે સીમાંકન થયું, તે પ્રમાણમાં પણ કોઈ ફેરફાર નહીં થાય અને વૃદ્ધિ પણ એ જ પ્રમાણમાં થશે. જો ગેરંટી જોઈતી હોય તો હું ગેરંટી આપું છું, વચન જોઈતું હોય તો વચન આપું છું... કારણ કે જો દાનત સાફ છે, તો શબ્દોની રમત કરવાની જરૂર નથી.”
વિપક્ષના સરકાર પર મહિલા અનામતના નામે રાજનીતિ કરવાના આરોપોને પ્રધાનમંત્રીએ નકારી કાઢતા તેમણે કહ્યું કે, સરકારનો આની પાછળનો ઉદ્દેશ્ય રાજકીય નથી. આપણે મહિલાઓને તેમનો અધિકાર આપી રહ્યા છીએ. 2023માં આ જ ગૃહે સર્વસંમતિથી નારી શક્તિ વંદન અધિનિયમને સ્વીકાર્યો હતો. હવે આપણે ટેકનિકલ બહાના બનાવીને તેને રોકવો જોઈએ નહીં.
તેમણે કહ્યું, “2023માં જ્યારે આપણે આના પર ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે લોકો કહેતા હતા, જલ્દી કરો. 2024માં શક્ય ન બન્યું કારણ કે આટલા ઓછા સમયમાં ન થઈ શકત. હવે 2029માં આપણી પાસે સમય છે, જો 2029માં પણ નહીં કરીએ તો સ્થિતિ શું બનશે તેની આપણે કલ્પના કરી શકીએ છીએ. સમયની માંગ છે કે હવે આપણે વધુ વિલંબ ન કરીએ.”
તેમણે કહ્યું, “રાષ્ટ્રના જીવનમાં કેટલીક મહત્વપૂર્ણ ક્ષણો આવે છે અને તે સમયની સમાજની માનસિકતા તેમજ નેતૃત્વની ક્ષમતા તે ક્ષણને ઝડપીને એક રાષ્ટ્રની અમાનત બનાવી દે છે, એક મજબૂત ધરોહર તૈયાર કરે છે. ભારતના સંસદિય ઈતિહાસમાં આ તેવી જ એક ક્ષણ છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે, મહિલા અનામતનો વિરોધ કરનારાઓને હંમેશા તેનું નુકસાન વેઠવું પડ્યું છે. 2024ની ચૂંટણીમાં એવું ન થયું. તેની પાછળનું કારણ એ હતું કે, સૌએ સર્વસંમતિથી મહિલા અનામતનો ખરડો પસાર કર્યો હતો.
તેમણે કહ્યું, “જો આપણે બધા સાથે આવી જઈએ, તો ઈતિહાસ સાક્ષી છે કે, આ કોઈ એકના રાજકીય પક્ષમાં નહીં જાય. આ દેશના લોકતંત્રના પક્ષમાં જશે, દેશની સામૂહિક નિર્ણય શક્તિના પક્ષમાં જશે અને આપણે સૌ તે યશના હકદાર હોઈશું. ન તો શાસક પક્ષ તેનો હકદાર હશે અને ન તો મોદી તેનો હકદાર હશે. તેથી જે કોઈને પણ આમાંથી રાજકીય ગંધ આવી રહી છે, તેઓ છેલ્લા 30 વર્ષના પોતાના પરિણામો જોઈ લે. આને રાજકીય રંગ આપવાની જરૂર નથી.”
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, દેશની પ્રગતિમાં મહિલાઓનું યોગદાન છે અને આપણે આ ઋણ સ્વીકારવું જોઈએ. દેશમાં આશરે 650થી વધુ જિલ્લા પંચાયતો છે. લગભગ પોણા ત્રણસો મહિલાઓ તેનું નેતૃત્વ કરે છે. તેમના પર એક કેબિનેટ મંત્રી કરતા પણ વધુ જવાબદારી હોય છે. આશરે 6,700 બ્લોક પંચાયતોમાંથી આશરે 2700થી વધુ બ્લોક પંચાયતોનું નેતૃત્વ મહિલાઓના હાથમાં છે. આજે દેશમાં 900થી વધુ શહેરોમાં શહેરી સ્થાનિક સંસ્થાઓના વડા તરીકે બહેનો કાર્યરત છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ