
નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત હરિવંશે ગુરુવારે, રાજ્યસભા સચિવાલયમાં ઉપસભાપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી. તેઓ જનતા દળ (યુ) તરફથી ગૃહમાં બે વાર ચૂંટાયા છે અને બંને વખત રાજ્યસભાના ઉપસભાપતિ રહ્યા છે.
રાજ્યસભામાં આવતીકાલે ઉપસભાપતિની ચૂંટણી યોજાશે. વિપક્ષે કેટલાક મુદ્દાઓ પર વાંધો ઉઠાવતા ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે, કોઈપણ વિરોધ વિના હરિવંશ ફરીથી ઉપસભાપતિ બની જશે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક્સ પોસ્ટમાં જણાવ્યું કે, વિપક્ષે આવતીકાલે ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. જોકે, આ પાછળ હરિવંશનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નથી. વિપક્ષને આશા છે કે, હરિવંશ તેમના ત્રીજા કાર્યકાળમાં વિપક્ષની વિનંતીઓ પ્રત્યે વધુ સહિષ્ણુ અને સ્વીકાર્ય રહેશે.
જયરામ રમેશે ત્રણ વાંધા ઉઠાવતા કહ્યું છે કે, છેલ્લા 7 વર્ષથી લોકસભામાં ઉપાધ્યક્ષનું પદ ખાલી છે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા મનોનીત કોઈ વ્યક્તિનો આ પહેલાં ક્યારેય ઉપસભાપતિ પદ માટે વિચાર કરવામાં આવ્યો નથી. સાથે જ, તેમને ત્રીજી વખત તક આપતી વખતે વિપક્ષ સાથે ચર્ચાવિચારણા પણ કરવામાં આવી નથી.
ગયા મહિને રાષ્ટ્રપતિએ હરિવંશને રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કર્યા હતા. હરિવંશ નારાયણ સિંહનો ઉપસભાપતિ તરીકેનો કાર્યકાળ 9 એપ્રિલે પૂર્ણ થયો હતો. ત્યારથી આ પદ ખાલી છે.
ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના હોદ્દાની રૂએ સભાપતિ હોય છે. તેમની ગેરહાજરીમાં ઉપસભાપતિ ગૃહની કામગીરીનું સંચાલન કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ