ભાજપે ‘યુવા શક્તિ ભરોસા કાર્ડ’ લોન્ચ કર્યું, બેરોજગાર યુવાનોને માસિક 3000 રૂપિયા આપવાનું વચન
કલકતા, નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.) પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ યુવાનોને આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે ‘યુવા શક્તિ ભરોસા કાર્ડ’ યોજનાની શરૂઆત કરી છે. ગુરુવારે કલકતામાં આયોજિત કાર્યક્રમમાં પ્રખ્યાત ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી
ભાજપ


કલકતા, નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.) પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ યુવાનોને આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે ‘યુવા શક્તિ ભરોસા કાર્ડ’ યોજનાની શરૂઆત કરી છે. ગુરુવારે કલકતામાં આયોજિત કાર્યક્રમમાં પ્રખ્યાત ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ અને બોક્સર વિજેન્દર સિંહની ઉપસ્થિતિમાં આ યોજનાનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો અને યુવાનોને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા.

ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં વચન આપ્યું છે કે, બેરોજગાર યુવાનોને નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે, જેથી તેમને સંક્રમણ કાળ (વચગાળાના સમય) દરમિયાન આર્થિક ટેકો મળી રહે. પાર્ટીએ તેને યુવાનોને સન્માન, તક અને આત્મનિર્ભર ભવિષ્ય આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.

કાર્યક્રમમાં ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસે જણાવ્યું હતું કે, બંગાળના યુવાનો સૌથી વધુ વંચિત છે. તેમને સન્માન આપવા માટે પાર્ટીએ આ યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બોક્સર વિજેન્દર સિંહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સમગ્ર દેશના યુવાનોના રમતગમત અને ભવિષ્ય માટે સતત કામ કર્યું છે. યુવા શક્તિ યોજના પણ તેનો જ એક ભાગ છે. આનાથી બંગાળના યુવાનોને આર્થિક મજબૂતી મળશે.

ઉલ્લેખનીય છે કે, આના એક દિવસ પહેલા ભાજપે મહિલાઓ માટે ‘માતૃશક્તિ ભરોસા કાર્ડ’ યોજનાની પણ જાહેરાત કરી હતી.

ભાજપનું કહેવું છે કે, આગામી પાંચ વર્ષમાં એક કરોડ નવી રોજગારી અને સ્વ-રોજગારની તકો ઊભી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પાર્ટી તેને રાજ્યના યુવાનોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની દિશામાં એક વ્યાપક દ્રષ્ટિકોણના ભાગરૂપે ગણાવી રહી છે.

બીજી તરફ, આ જાહેરાતોને લઈને રાજકીય વિવાદ પણ તેજ બન્યો છે. રાજ્યમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણીના નજીકના સમયે આવી યોજનાઓની જાહેરાત અને વિતરણ સામે સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, આ પગલું ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન છે અને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તૃણમૂલ કોંગ્રેસનું એમ પણ કહેવું છે કે, ભાજપ અગાઉ લક્ષ્મી ભંડાર અને યુવા સાથી જેવી રાજ્ય સરકારની યોજનાઓની ટીકા કરતી હતી, પરંતુ હવે ચૂંટણીના માહોલમાં તે જ પ્રકારની નાણાકીય સહાય યોજનાઓ પર ભરોસો બતાવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande