
નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.) સંસદની વિશેષ ત્રિદિવસીય બેઠકના પ્રથમ દિવસે ગુરુવારે રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના અધ્યક્ષ નીતિન નવીન સહિત અન્ય નવનિર્વાચિત સભ્યોએ શપથ લીધા. રાજ્યસભાએ ગૃહના પૂર્વ સભ્ય મોહસિના કિદવાઈ અને પાર્શ્વ ગાયિકા આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી 17 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
ત્રિદિવસીય બેઠકમાં આવતીકાલે, રાજ્યસભામાં મહિલા અનામતનો માર્ગ મોકળો કરનારા બંધારણીય સુધારા વિધેયક અને અન્ય બે વિધેયકો પર ચર્ચા શરૂ થશે. આજે લોકસભામાં આ અંગે ચર્ચા થઈ રહી છે અને આવતીકાલે તેને ગૃહમાંથી પસાર કરવામાં આવશે.
રાજ્યસભામાં સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને તેરાશ ગોવાલા (ભાજપ અસમ), જોગેન મોહન (ભાજપ અસમ), સુજીત કુમાર (ભાજપ ઓડિશા), ડૉ. અભિષેક મનુ સિંઘવી (કોંગ્રેસ તેલંગાણા), વેમ નરેન્દ્ર રેડ્ડી (કોંગ્રેસ તેલંગાણા), વિનોદ કુમાર તાવડે (ભાજપ મહારાષ્ટ્ર), અનુરાગ શર્મા (કોંગ્રેસ હિમાચલ પ્રદેશ), સંજય ભાટિયા (ભાજપ હરિયાણા), પ્રમોદ બોરો (યુપીપી (એલ) અસમ), કરમવીર સિંહ બૌદ્ધ (કોંગ્રેસ હરિયાણા), ફૂલો દેવી નેતામ (કોંગ્રેસ છત્તીસગઢ), લક્ષ્મી વર્મા (ભાજપ છત્તીસગઢ), શિવેશ કુમાર (ભાજપ બિહાર), રામનાથ ઠાકુર (જેડી(યુ) બિહાર) અને ઉપેન્દ્ર કુશવાહા (આરએલએમ બિહાર) ને શપથ લેવડાવ્યા હતા. ઉપસભાપતિએ તમામ નવા સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
નીતિન નવીને 'એક્સ' પર જણાવ્યું હતું કે, આજે સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈને રાષ્ટ્રસેવાના એક નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યો છું. આ મારા માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. હું સંકલ્પ લઉં છું કે ગૃહમાં બિહારના અવાજને મક્કમતાથી ઉઠાવીને, ‘વિકસિત ભારત’ના લક્ષ્યની પ્રાપ્તિ અને જન-આકાંક્ષાઓની પૂર્તિ માટે પૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે નિરંતર કાર્ય કરતો રહીશ.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ