GCAS પોર્ટલમાં ટેકનિકલ ખામીઓ સામે ABVP નો ઉગ્ર વિરોધ.
પાટણ, 17 એપ્રિલ (હિ.સ.) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા GCAS પોર્ટલમાં ટેકનિકલ ખામીઓ અને પ્રવેશ પ્રક્રિયામાં વિલંબને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સર્વર ડાઉન થવાની સમસ્યાઓ, ₹300ની રજિસ્ટ્રેશન ફી અને લાંબા સમય સુધી ચાલતા 33 જેટલા
GCAS પોર્ટલમાં ટેકનિકલ ખામીઓ સામે ABVP નો  ઉગ્ર વિરોધ.


પાટણ, 17 એપ્રિલ (હિ.સ.) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા GCAS પોર્ટલમાં ટેકનિકલ ખામીઓ અને પ્રવેશ પ્રક્રિયામાં વિલંબને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સર્વર ડાઉન થવાની સમસ્યાઓ, ₹300ની રજિસ્ટ્રેશન ફી અને લાંબા સમય સુધી ચાલતા 33 જેટલા રાઉન્ડ હોવા છતાં અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે.

ખાસ કરીને ખાનગી યુનિવર્સિટીઓને પોર્ટલમાંથી બહાર રાખવાથી વિદ્યાર્થીઓને સમયસર પ્રવેશ મળતો નથી અને તેમને મજબૂરીમાં ઊંચી ફી ચૂકવી ખાનગી સંસ્થાઓમાં દાખલા લેવા પડે છે.

આ મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગેટ બહાર વિરોધ પ્રદર્શન અને ધરણા યોજાયા હતા. ABVP એ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી પોર્ટલની ખામીઓ દૂર કરવા, રજિસ્ટ્રેશન ફી ઘટાડવા તેમજ પ્રવેશ પ્રક્રિયામાં સુધારા લાવવાની માંગ કરી છે. અગાઉ રજૂઆતો છતાં ઉકેલ ન આવતા હવે સંગઠન વધુ ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યું છે.

ABVP પાટણ વિભાગ સંયોજક રાહુલ દેસાઈએ જણાવ્યું કે 4.5 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં લગભગ 1 લાખ વિદ્યાર્થીઓ હજુ પ્રવેશથી વંચિત છે. સંગઠને માંગ કરી છે કે ખાનગી યુનિવર્સિટીઓને GCASમાં સામેલ કરવામાં આવે અથવા પોર્ટલને માત્ર ડેટા સંગ્રહ પૂરતું મર્યાદિત રાખી પ્રવેશ પ્રક્રિયા યુનિવર્સિટીઓને સોંપવામાં આવે. ઉપરાંત, રજિસ્ટ્રેશન ફી સંપૂર્ણપણે રદ કરીને પ્રક્રિયાને નિઃશુલ્ક બનાવવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande