

પાટણ, 17 એપ્રિલ (હિ.સ.) : પાટણ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 9 ના કોંગ્રેસ ઉમેદવારોએ પરંપરાગત પ્રચાર છોડીને લોકહિતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોતીશ દરવાજાથી ખોડિયાર માતાજી ચોકડી સુધીના ખરાબ રસ્તા પરના ખાડાઓ પોતાના સ્વખર્ચે પૂરીને તેમણે જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
મતવિસ્તારમાં ભ્રમણ દરમિયાન રસ્તાની બિસ્માર હાલત જોઈને ચાર ઉમેદવારો – અલ્કેશભાઈ પટેલ, સુભદ્રાબેન મોદી, ગીતાબેન ઠાકોર અને દિનેશભાઈ પટણી –એ આ નિર્ણય લીધો હતો. રસ્તાના ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી, જેને દૂર કરવા તેમણે પોતે જ આગળ આવી કાર્ય કર્યું.
આ ઉમેદવારોમાં પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પટણી અને પૂર્વ કોર્પોરેટર ગીતાબેન ઠાકોર જેવા અનુભવી ચહેરાઓનો સમાવેશ થાય છે. વચનો આપવાની જગ્યાએ સીધું કામ કરીને પ્રચાર કરવાની તેમની આ રીત સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની છે અને લોકપ્રશ્નો ઉકેલવા માટેની તેમની પ્રતિબદ્ધતા સ્પષ્ટ કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ