
ભાવનગર, 17 એપ્રિલ (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટમાં અથાણા બનાવવા માટે ઉપયોગી ખાસ જાતની કેરીઓનું આગમન થઈ ચૂક્યું છે. રાજાપુરી, કાગડા,તોતા તેમજ કેસર જેવી કેરીઓ બજારમાં જોવા મળી રહી છે. ખાસ કરીને રાજાપુરી કેરીનો ઉપયોગ મુરબ્બો બનાવવા માટે થાય છે, જ્યારે કાગડા અને તોતા જાતની કેરી બટકા કરીને અથાણા બનાવવા માટે ગૃહિણીઓમાં લોકપ્રિય છે. આ કેરીઓમાં ખાટાશ ઓછી હોવાના કારણે તે અથાણા માટે વધુ યોગ્ય માનવામાં આવે છે.જો કે, આ વર્ષે ગૃહિણીઓ માટે અથાણા બનાવવું થોડું મોંઘું સાબિત થઈ રહ્યું છે.
ગત વર્ષના મુકાબલે આ વર્ષે અથાણા બનાવવા માટે જરૂરી મોટાભાગની સામગ્રીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તળાજા માર્કેટમાં ગત વર્ષે રૂ. 40-50 પ્રતિ કિલો મળતી રાજાપુરી કેરી આ વર્ષે રૂ. 70-80 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે, જે સીધો અસર ગૃહિણીઓના બજેટ પર પાડે છે.માત્ર કેરી જ નહીં, પરંતુ અથાણામાં વપરાતી અન્ય સામગ્રી પણ મોંઘી બની છે. મરચાંના ભાવમાં ગત વર્ષની સરખામણીમાં દોઢગણો વધારો થયો છે, જ્યારે કાશ્મીરી મરચાંના ભાવ તો લગભગ બમણા થઈ ગયા છે. ઉપરાંત રાય, મેથી, કુરિયા અને તેલ જેવા જરૂરી ઘટકો પણ મોંઘા થતા અથાણાની કુલ કિંમત વધી ગઈ છે.આ પરિસ્થિતિને કારણે ગૃહિણીઓએ આ વર્ષે અથાણું બનાવવામાં ઘટાડો કરવાની કે પછી ઓછી માત્રામાં બનાવવાની યોજના બનાવવી પડી રહી છે. તેમ છતાં, પરંપરાગત સ્વાદ અને ઘરેલું અથાણાં પ્રત્યેનો પ્રેમ યથાવત્ છે, જેના કારણે લોકો મોંઘવારી વચ્ચે પણ શક્ય તેટલું અથાણું બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT