
પોરબંદર, 17 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના મહીયારી ગામે યુવાન તથા તેની માતા ઉપર ઘાતક હુમલો કરીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
પોરબંદરના મહીયારી ગામે રહેતા અને કડીયાકામ કરતા વિજય માલદે સોલંકી નામના 40 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 10 દિવસ પહેલા તેનો નાનો ભાઈ અજીત ગામમાં આવેલી રાશનની દુકાને બેઠો હતો ત્યારે તેમના જ ગામનો કરણ પરબત પરમાર મનફાવે તેમ ફરીયાદીના ભાઇને ગાળો બોલતો હતો. એ દરમ્યાન ફરિયાદી ગામમાં ઘી લેવા માટે ગયો હતો અને પોતાના ભાઈને દુકાને જોતા ત્યાં ગયો હતો અને ભાઈને ઘરે જતો રહેવા માટે જણાવ્યુ હતુ અને ત્યારબાદ ફરીયાદી વિજયે કરણને ‘તું મારા ભાઇને કેમ ગાળો આપતો હતો?’ તેમ કહીને તેના વાળ ખેંચ્યા હતા અને ત્યારબાદ કરણ તથા વિજય બંને ઘરે જતા રહ્યા હતા.
તા. 15-4ના રાત્રે 9:30 વાગ્યે ફરીયાદી વિજય તથા તેના માતા મંજુબેન અને ભાઇ અજીતે જમી પરવારી લીધુ હતુ અને પછી વિજય ઘરની બહાર ઓટલા પર બેઠો હતો. તેની માતા અગાસી ઉપર વાસણ સાફ કરતી હતી. અને ભાઈ ગામમાં ગયો હતો. એ દરમ્યાન કરણ પરબત પરમાર અગાઉની અદાવત રાખીને લોખંડનો પાઈપ લઈને ઘરે આવી પહોંચ્યો હતો તથા ફરિયાદીને ‘મારા માથાના વાળ કેમ ખેંચ્યા હતા?” તેમ કહીને લોખંડનો પાઇપ તેના માથામાં મારી દીધો હતો. જેથી ચકકર આવતા તે નીચે પડી ગયો હતો.
માતા મંજુબેને નીચે આવીને કરણને “મારા દીકરાને કેમ મારે છે?” તેમ પૂછતા ઉશ્કેરાઇ ગયેલા કરણે મંજુબેનના કપાળ ઉપર લોખંડનો પાઇપ મારી દેતા તેઓ બુમાબુમ કરવા લાગ્યા હતા. જેથી પડોશમાં રહેતા લોકો એકત્ર થઇ જતા કરણ ગાળો બોલી ફરીયાદીને જાતી પ્રત્યે હડધૂત કરી, ઢીકા પાટુનો માર મારી નાશી ગયો હતો.
મંજુબેનને માથાના ભાગે લોહી નીકળતુ હોવાથી ઈમરજન્સી સેવા 108 ને જાણ કરવામાં આવી હતી. 108 માં માતા-પુત્ર બંનેને સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને બંનેને દાખલ કરવામાં આવ્યા છે અને હોસ્પિટલ ખાતેથી વિજય સોલંકીએ કરણ પરબત પરમાર સામે ગુન્હો દાખલ કરાવ્યો છે. ત્યારે આગળની તપાસ કુતિયાણા પોલીસ ચલાવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya