
ગીર સોમનાથ 17 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ (કોડીનાર સિવાયની) આગામી તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આવેલા કુલ મતદાન મથકો પૈકી સંવેદનશીલ/અતિસંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવા અંગેની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ચાર કરતા વધુ પોલિંગ બૂથ હોય તેવા મથકોને સંવેદનશીલ ગણવા, પોલીસ તરફથી ચૂંટણી પ્રક્રિયાને અનુલક્ષીને કરવામાં આવેલી વ્યવસ્થાઓ, મતદારોને અગવડ ન પડે તે સારુ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જરુર પડે તેવા બૂથોને સંવેદનશીલ જાહેર કરવા, વિવિધ મતદાન કેન્દ્રો અને ચૂંટણી દરમિયાન અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
તમામ તાલુકા તેમજ જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીની તૈયારીઓ વિશે સમીક્ષા કરી કલેક્ટરએ ઉપસ્થિત સર્વે અધિકારીશ્રીઓને આચારસંહિતા અનુસાર ચૂંટણી યોજાય અને અડચણ વગર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તે અંગે માર્ગદર્શક સૂચનો કર્યા હતાં.
જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજાએ ચૂંટણીમાં જરુરી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસતંત્ર સજ્જ છે અને સંવેદનશીલ વિસ્તારોમાં માર્ચપાસ્ટ સહિતના પગલાઓ લઈ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે જરુરી પગલાઓ પોલીસતંત્ર દ્વારા લેવામાં આવશે તેની વિગતો તેમણે આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમિની ગઢિયા, વેરાવળ પ્રાંત અધિકારી જે.વી.કાકડિયા, ઉના પ્રાંત અધિકારી કે.આર.પરમાર, નાયબ પોલીસ અધિક્ષક સર્વ એમ.એફ.ચૌધરી, ભાસ્કર વ્યાસ, વેરાવળ-ઉના તેમજ જિલ્લા પંચાયત-નગરપાલિકાની તમામ બેઠકોના ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ