
અમદાવાદ,17 એપ્રિલ (હિ.સ.) અમદાવાદ સોલા બ્રિજ નીચેથી બાઇક ચોરનાર પકડાયો તો અમદાવાદમાં બ્રિજ નીચેથી બાઈક ચોરી કરતી ગેંગ ઝડપાઈ.અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી બ્રિજ નીચેથી બાઇક ચોરી કરતી એક ગેંગ સોલા પોલીસે ઝડપી પાડી છે.
પોલીસે એક બાઈક ચોરીની તપાસ કરી રહી હતી. જ્યારે પોલીસે એક બાઈક ચોરને પકડ્યો તો તેની પાસેથી ચોરીના અન્ય 22 બાઇક મળી આવ્યા હતાં. પોલીસે કુલ 23 ચોરીના બાઇક સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
સોલા બ્રિજ નીચેથી એક બાઈક ચોરી થતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.જે દેસાઈ અને એન.એ સિંઘને તપાસ દરમિયાન સીસીટીવી ફુટેજના આધારે ગોપાલ તીરગર નામના આરોપીની ધરપકડ કરી હતી. જેની પાસેથી ચોરીનો એક બાઈક મળી આવ્યું હતું.
આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીએ એક બાઈક નહીં પરંતુ તેના અન્ય સાગરીતો સાથે મળીને કુલ 23 બાઈક ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી.
પોલીસે મુકેશ પારગી અને ભરત શિંગાળા નામના અન્ય બે આરોપીઓની ધરપકડ કરી હતી.આરોપીઓને સાથે લઈ જઈને ભાડજ સર્કલ પાસેથી ચોરી કરીને સંતાડેલા 22 બાઈક કબ્જે કર્યા હતાં.
પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ સોલામાંથી 9, રામોલમાંથી 5, કૃષ્ણનગરમાંથી 1, ઓઢવમાંથી 1, નિકોલમાંથી 1, રીવરફ્રન્ટમાંથી 1 અને કઠલાલમાંથી 1બાઇક ચોરી કર્યું હતું. આરોપીની ધરપકડથી કુલ 19 જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓ ચોરી કરવા માટે નકલી ચાવીનો એક જુડો સાથે રાખતા હતા. જે બાદ હીરો કંપનીના સામાન્ય સ્પ્લેન્ડર બાઈકને જ ટાર્ગેટ કરીને તેમાં ચાવી નાખીને લોક ખોલી ચોરી કરતા હતાં. આરોપીઓ આ બાઇક ભેગા કરીને વેચવાના હતા પરંતુ તે પહેલા જ ધરપકડ કરી દેવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ