ચલાલામાં વિનામૂલ્યે છાશ કેન્દ્ર શરૂ: ઉનાળામાં રાહત માટે 20 વર્ષથી સેવા કાર્ય ચાલુ
અમરેલી, 17 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ લોકો માટે વિનામૂલ્યે છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શરૂ કરાયેલા આ છાશ કેન્દ્ર દ્વારા લોકોમાં ખુશ
ચલાલામાં વિનામૂલ્યે છાશ કેન્દ્ર શરૂ: ઉનાળામાં રાહત માટે 20 વર્ષથી સેવા કાર્ય ચાલુ


અમરેલી, 17 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ લોકો માટે વિનામૂલ્યે છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શરૂ કરાયેલા આ છાશ કેન્દ્ર દ્વારા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને સેવાભાવી દાતાશ્રીઓના આ કાર્યની પ્રશંસા થઈ રહી છે.

મહેશભાઈ કુંડળે જણાવ્યું કે છેલ્લા 20 વર્ષથી સંસ્થા દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ઉનાળાની તીવ્ર ગરમીમાં લોકોને તાજગી અને આરોગ્ય માટે સહાયરૂપ થાય તે માટે દર વર્ષે છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ એ જ પરંપરા જાળવી રાખતા રોજિંદા 600 લીટર જેટલી છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ સેવા કાર્યમાં શ્રી નાગરદાસ દોશી સ્મારક નિધિ ટ્રસ્ટ અને દિવાળીબેન કાનજીભાઈ કાછડીયા દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે. તેમના સહયોગથી શહેરના વિવિધ વિસ્તારોમાં આ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે, જેથી વધુમાં વધુ લોકોને આ લાભ મળી શકે. છાશનું વિતરણ પટેલવાડી, જૈનવાડી, હુંડકો નંબર-૨ અને દાનેવ સોસાયટીના ગાયત્રીનગર વિસ્તાર સહિતના વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યું છે. અહીં રોજિંદા મોટી સંખ્યામાં લોકો છાશનો લાભ લઈ રહ્યા છે. ગરમીમાં શરીરને ઠંડક અને તાજગી આપતી છાશ લોકો માટે આશીર્વાદરૂપ બની છે.

વિશેષરૂપે, શહેરમાં રહેતા પરિવારોને લગભગ 4 મહિના સુધી આ છાશનું વિતરણ કરવામાં આવે છે, જે ઉનાળાની આખી સીઝનમાં લોકોને રાહત આપે છે. આ કામગીરી માત્ર સેવાકાર્ય નથી પરંતુ માનવતાની ઉત્તમ મિસાલ પણ છે.

છાશ કેન્દ્ર શરૂ થતાં લાભાર્થીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે. અનેક લોકો દ્વારા દાતાશ્રીઓ અને સંસ્થાના આ કાર્યની પ્રશંસા કરવામાં આવી રહી છે. ઉનાળાની કપરા સમયમાં આવી સેવા પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande