
અમદાવાદ,17 એપ્રિલ (હિ.સ.) અમદાવાદ જિલ્લાના સાણંદના શેખર યાદવ યુવકની બિહારના નવા સીએમને મારવાની ધમકી આપવાના કેસમાં ધરપકડ કરવા આવી. બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. સાણંદના શેખર યાદવ નામના યુવકને પોલીસે ઝડપી લીધો છે.32 વર્ષીય શેખર ક્રિષ્ના યાદવ સાણંદ તાલુકાના નિધરાડમાં રહેતો હતો.
આ મામલે સમ્રાટ ચૌધરીએ, બિહારના મુંગેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ સાણંદ પોલીસ બિહાર પોલીસ સાથે સંકલનમાં હતી. પોલીસે મોબાઇલ નંબરના આધારે આરોપીને અરેસ્ટ કર્યો છે.
DYSP આસ્થા રાણાએ જણાવ્યું કે, આરોપીએ 15 એપ્રિલના રોજ બિહારના સીએમની ઓફિસે ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ સીએમ ઓફિસ દ્વારા મુંગેરમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપીનું મોબાઈલ લોકેશન સાણંદનું મળતા મુંગેર પોલીસે ગ્રામ્ય એસપીનો સંપર્ક કર્યો હતો.
ગ્રામ્ય એસપી દ્વારા સૂચના આપતા પીઆઇ બી.ટી ગોહિલની ટીમે સાણંદથી આરોપીની ધરપકડ કરી હતી. તે ચાર મહિનાથી સાણંદમાં રહી ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને રાતના સમયે પણ ટ્રકમાં જ રોકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ