
મહેસાણા, 17 એપ્રિલ (હિ.સ.) માર્ગ અકસ્માતોને ઘટાડવા અને વાહનચાલકોની સુરક્ષા વધારવા હેતુથી ઊંઝા APMC ખાતે મહેસાણા RTO વિભાગના સહયોગથી વિશેષ સલામતી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલ હેઠળ માર્કેટ યાર્ડમાં આવનારા માલવાહક વાહનો પર રેડિયમ પટ્ટા લગાવી સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
આ અભિયાન દરમિયાન ઊંઝા માર્કેટ યાર્ડમાં ખેતપેદાશો લઈને આવતા ટ્રક, ટેમ્પો સહિતના વાહનો પર RTO અધિકારીઓના હસ્તે રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા. રાત્રિના સમયે દૃશ્યતા વધે અને અકસ્માતોની સંભાવના ઘટે તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વાહનો પર રેડિયમ પટ્ટા લગાવવાથી દૂરથી જ વાહન સ્પષ્ટ દેખાય છે, જે માર્ગ સલામતી માટે મહત્વપૂર્ણ છે. ખેડૂત મિત્રો અને ડ્રાઈવર ભાઈઓને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત મુસાફરી માટે જાગૃત કરવામાં આવ્યા હતા.
આ પહેલને ખેડૂતો અને વાહનચાલકો દ્વારા આવકારવામાં આવી હતી. આવા અભિયાનો દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાઈ અને અકસ્માતોમાં ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR