
મહેસાણા, 17 એપ્રિલ (હિ.સ.) મહેસાણા તાલુકાના છઠીયારડા ગામ સ્થિત પ્રાથમિક કુમાર શાળામાં સ્વર્ગસ્થ ભગવતીબેન પરસોતમભાઈ પટેલના સ્મરણાર્થે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીના નાના બાળકોને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યમાં દાતા તરીકે આશાબેન અને આશિષભાઈ પરસોતમભાઈ પટેલ તથા તેમના પરિવારજનોએ (પાંચોટ વાળા – હાલ શૈલજા શરણમ્, મહેસાણા) સહભાગિતા નોંધાવી હતી. પરિવાર દ્વારા આ તિથિ ભોજનનું આયોજન સ્વર્ગસ્થ ભગવતીબેનની યાદમાં કરવામાં આવ્યું હતું, જે માનવસેવાના ભાવને ઉજાગર કરે છે.
આ પ્રસંગે ગામજન અને શાળા પરિવારે દાતાશ્રીના આ સેવાભાવી કાર્યની પ્રશંસા કરી હતી અને આવી પ્રવૃત્તિઓથી સમાજમાં સહાનુભૂતિ અને સેવા ભાવના વધે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે જ સ્વર્ગસ્થ ભગવતીબેન પરસોતમભાઈ પટેલના દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રકારના સામાજિક કાર્યોથી સમાજમાં એકતા અને સહકારની ભાવના મજબૂત બનતી હોવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR