

મહેસાણા, 17 એપ્રિલ (હિ.સ.) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગણપત યુનિવર્સિટી દ્વારા તારીખ 16 અને 17 એપ્રિલ 2026 દરમિયાન ખેડૂતોની આર્થિક ઉન્નતિને ધ્યાનમાં રાખીને બે દિવસીય વ્યવસાયિક મધમાખી પાલન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોને મધમાખી ઉછેરને સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો.
આ તાલીમ શિબિરમાં ખેરાલુ, વડગામ, સતલાસણા, વિસનગર અને વડનગર તાલુકાના કુલ 30 પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો, જેમાં 18 પુરુષ અને 12 મહિલાઓનો સમાવેશ થાય છે. તાલીમ દરમિયાન આયોજક શ્રીમતી રોશનીબેન દ્વારા મધમાખીની વિવિધ પ્રજાતિઓ, પેટી વ્યવસ્થાપન અને ગુણવત્તાયુક્ત મધ ઉત્પાદન અંગે ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વિષય નિષ્ણાતો દ્વારા મધમાખી પાલન વ્યવસાય શરૂ કરવા માટે બાગાયત વિભાગ દ્વારા મળતી સહાય યોજનાઓ અને સબસિડી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને ઓછા ખર્ચે વધારાની આવક મેળવવા માટે મધમાખી પાલન એક અસરકારક વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યો.
આ તાલીમ દ્વારા ખેડૂતો ખેતીની સાથે આધુનિક મધુપાલન અપનાવી આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR