
- વર્ષ 2025 દરમિયાન કુલ 86 આરોપીઓને PIT NDPS અધિનિયમ હેઠળ અટકાયત કરીને રાજ્યની વિવિધ જેલોમાં મોકલવામાં આવ્યા હતા.
- ચાલુ વર્ષે ચાર મહિનામાં 21 વ્યક્તિઓને આ કડક અભિયાન હેઠળ અટકાયત કરવામાં આવી.
- રાજ્ય સરકારે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી છે.
ગાંધીનગર, 17 એપ્રિલ (હિ.સ.) : ગુજરાત પોલીસે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી તેજ બનાવી છે.પોલીસ દ્વારા Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988 (PIT NDPS Act) હેઠળ વધુ પાંચ આરોપીઓને અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપ્યા છે.
આ અટકાયતના આદેશો ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP-CID Crime) ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) અને CID ક્રાઈમની ટીમોએ કરી છે અને રાજકોટ શહેર, અરવલ્લી, બનાસકાંઠા, નવસારી અને જુનાગઢ જિલ્લાનાં આ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
અટકાયત કરાયેલા વ્યક્તિઓમાં ભિલોડા તાલુકાના વાંકાટીંબા ગામના બાબુભાઈ નીનામા, પાલનપુર (બનાસકાંઠા)ના ઈશ્વર ઉર્ફે હેંડલ સલાટ, વાંસદા (નવસારી)ના મનોજગીરી ગોસ્વામી , જુનાગઢના વહીદ પંજા અને રાજકોટના ઇમરાન બેલીમ નો સમાવેશ થાય છે.
આ તમામને અગાઉ NDPS અધિનિયમની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેઓ જામીન પર મુક્ત હતા.
ગુજરાત પોલીસનાં જણાવ્યા અનુસાર, PIT NDPS અધિનિયમ હેઠળ આવા વ્યક્તિઓને પૂર્વગામી અટકાયત (preventive detention) હેઠળ રાખી શકાય છે, જેથી તેઓ નશીલા પદાર્થોના વેચાણ, ખરીદી, પરિવહન અથવા સંગ્રહ જેવી પ્રવૃત્તિઓમાં ફરી જોડાય નહી.
જેલમુક્ત થયા પછી પણ આવા લોકો ફરીવખત નશીલા પદાર્થોનાં વેચાણ અથવા તેના કારોબારમાં ફરી વખત સક્રિય થઇ શકે તેમ છે, તેવા સમયે આ કાર્યવાહી કરવામાં આવે છે.
રાજ્ય સરકારે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી છે.
ગુજરાત પોલીસે જણાવ્યું કે “જેમ અસામાજિક તત્વો સામે PASA લાગુ કરવામાં આવે છે, તેમ જ નાર્કોટિક્સ સંબધિત ગુન્હાનાં આરોપીઓ સામે PIT NDPS અધિનિયમ લાગુ કરવામાં આવે છે,”.
રાજ્યને ‘નશામુક્ત’ બનાવવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે અને આ માટે જે કોઇ કાર્ય કરવુ પડે તેના માટે તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે.
વર્ષ 2025 દરમિયાન કુલ 86 આરોપીઓને PIT NDPS અધિનિયમ હેઠળ અટકાયત કરીને રાજ્યની વિવિધ જેલોમાં મોકલવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે અત્યાર સુધીના ચાર મહિનામાં 21 વ્યક્તિઓને આ કડક અભિયાન હેઠળ અટકાયત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ