
અમરેલી, 17 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા ઉનાળાની તીવ્ર ગરમીમાં પક્ષીઓ માટે અનોખી સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આશ્રમ દ્વારા કુલ 1,000 પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને લઈ શહેરમાં માનવતા અને જીવદયા પ્રત્યેની લાગણી સ્પષ્ટ રીતે જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો આ અભિયાનમાં જોડાયા હતા અને પોતાના નિવાસસ્થાન પર કુંડાઓ લઈ જઈ પાણી ભરવાની કામગીરી શરૂ કરી હતી.
હનુમાનજી આશ્રમ સાથે સંકળાયેલા સતીશ પાંડે જણાવ્યું હતું કે, આ સેવા કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી સતત કરવામાં આવી રહ્યું છે. આશ્રમ માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ પૂરતું સીમિત નથી, પરંતુ સામાજિક અને માનવસેવાના કાર્યોમાં પણ અગ્રેસર રહ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું અત્યંત જરૂરી બને છે, કારણ કે શહેરોમાં વૃક્ષોની સંખ્યા ઘટતા અને પાણીના કુદરતી સ્ત્રોતો સુકાતા પક્ષીઓ માટે જીવવું મુશ્કેલ બની જાય છે.
આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજકોટથી ખાસ પીવાના પાણીના કુંડા મગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોમાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશ્રમ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ આ કુંડાઓ પોતાના ઘરની છત, અગાસી અથવા બાલ્કનીમાં મૂકી તેમાં રોજ પાણી ભરે, જેથી પક્ષીઓ સરળતાથી પાણી પી શકે.
આ અભિયાનમાં માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ અને શાળાઓ પણ જોડાઈ હતી. શહેરની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને કુંડાઓ આપવામાં આવ્યા હતા અને તેમને પણ પક્ષીઓ માટે પાણી રાખવાની પ્રેરણા આપવામાં આવી હતી. આ રીતે નાની વયથી જ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ અને જીવજંતુઓ પ્રત્યે કરુણા અને જવાબદારીની ભાવના વિકસે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સતીશ પાંડે વધુમાં જણાવ્યું હતું કે, હનુમાનજી આશ્રમ દ્વારા છેલ્લા 15 વર્ષથી સતત વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ ઉપરાંત 5,100થી વધુ શ્રીફળ પૂજન જેવી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી છે. આશ્રમનો મુખ્ય હેતુ માત્ર માનવ સેવા નહીં પરંતુ દરેક જીવ પ્રત્યે સહાનુભૂતિ અને સેવા ભાવના વિકસાવવાનો છે.
આ સમગ્ર પહેલને લઈને શહેરમાં લોકોએ પણ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. ઘણા લોકો પોતાના પરિવાર સાથે આ સેવા કાર્યમાં જોડાયા હતા અને પોતાના ઘરોમાં પાણીના કુંડાઓ સ્થાપિત કર્યા હતા. આ પ્રકારની પ્રવૃત્તિઓ શહેરમાં સામાજિક એકતા અને સહકારની ભાવના મજબૂત બનાવે છે.
ઉનાળાના સમયમાં પક્ષીઓ માટે પાણી ઉપલબ્ધ કરાવવું એ નાની લાગતી પરંતુ અત્યંત મહત્વપૂર્ણ સેવા છે. સાવરકુંડલામાં હનુમાનજી આશ્રમ દ્વારા હાથ ધરાયેલ આ પહેલ અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai