
સુરત, 17 એપ્રિલ (હિ.સ.): શહેરના ભાઠેના વિસ્તારમાંથી પસાર થતી જીવનજ્યોત ખાડીમાં મોડી રાત્રે એક યુવક કૂદી ગયો હતો. જેથી બનાવને પગલે સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડ કંટ્રોલને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી તેમને ખાડીમાંથી બહાર કાઢી ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
બનાવની વિગત એવી છે કે કંટ્રોલ વિભાગમાં રાત્રે 11:54 વાગ્યાના અરસામાં કોલ મળ્યો હતો કે તેના વિસ્તારમાં આવેલ જીવન જ્યોત ખાડીમાં ડેનિસ કેકની સામે એક યુવકે પાણીમાં ઝંલાવ્યું છે. જે કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનોને ટીમ અને ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ તાત્કાલિક પાણીમાં કૂદી યુવકને બહાર કાઢ્યો હતો. જોકે યુવક અર્ધ બેભાન હાલતમાં હોવાથી તેમણે પોતાની ઓળખ જુનેદ ઉંમર વર્ષ 30 હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોએ તેમને તાત્કાલિક સારવાર માટે ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે