
ચંડીગઢ, નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.) પંજાબ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગે સરહદ પારથી ચાલી રહેલા તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરીને આશરે 450 કરોડ રૂપિયાની કિંમતની 64.62 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરી બે તસ્કરોની ધરપકડ કરી છે.
આ ગેંગ પાકિસ્તાની તસ્કર મૂસા દ્વારા ચલાવવામાં આવી રહી હતી. મૂસા થોડા વર્ષો પહેલા ભારતમાં તે સમયે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે કસ્ટમ વિભાગે અહીં અટારી-વાઘા બોર્ડર પર એક માલગાડીમાંથી 532 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.
પંજાબ પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે શનિવારે જણાવ્યું હતું કે, અમૃતસરમાં પંજાબ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ હેરોઈન પાકિસ્તાનથી મંગાવવામાં આવ્યું હતું, જેને હવે આગળ સપ્લાય કરવાનું હતું. પોલીસે તે પહેલા જ તેને પકડી પાડ્યું છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આ નેટવર્કના તાર વિદેશમાં બેઠેલા હેન્ડલર્સ અને પાકિસ્તાનની મૂસા ગેંગ સાથે પણ જોડાયેલા છે. આ ટોળકી સરહદ પારથી ડ્રગ્સની તસ્કરી કરી પંજાબ અને અન્ય રાજ્યોમાં સપ્લાય કરવાનું કામ કરી રહી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અવા ગામના રહેવાસી સરવન સિંહ ગુર્જર અને ઈક્તિયારનગર ગામના શમશેર સિંહ તરીકે થઈ છે. બંનેની માહલ ગામ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસ સ્ટેશન એસએસઓસી અમૃતસરમાં પ્રાથમિક ફરિયાદ (એફઆઈઆર) નોંધવામાં આવી છે અને આગળની તપાસ તેજ ગતિએ ચાલી રહી છે. પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું હતું કે, પોલીસનો ઉદ્દેશ્ય આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવાનો અને તેના તમામ સહયોગીઓની ધરપકડ કરવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ