



કચ્છ, 18 એપ્રિલ (હિ.સ.) : કંડલા ખાતે આવેલી ડીપીએ (Deendayal Port Authority) દ્વારા 14 થી 20 એપ્રિલ દરમિયાન રાષ્ટ્રીય અગ્નિ સેવા સપ્તાહનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ અગ્નિ સલામતી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને ફરજ દરમિયાન પોતાના પ્રાણોની આહુતિ આપનારા બહાદુર અગ્નિશામક કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો છે.
આ અવસરે ડીપીએના એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ ખાતે એક વિશેષ મોક ડ્રિલ યોજાઈ, જેમાં ડેપ્યુટી ચેરમેન શ્રી નીલાભ્રા દાસગુપ્તા (IRS) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મોક ડ્રિલ દ્વારા આગ જેવી આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ, સંકલન અને બચાવ કામગીરીની વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી, જે કર્મચારીઓ માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ.
સપ્તાહ દરમિયાન ડીપીએ ફાયર બ્રિગેડ દ્વારા વિવિધ સ્થળોએ અગ્નિ સલામતી સંબંધિત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં શાળાઓ, હોસ્પિટલો અને ઔદ્યોગિક વિસ્તારોમાં જાગૃતિ અભિયાન, પ્રદર્શન, તાલીમ સત્રો અને લાઈવ ડેમો દ્વારા લોકોને આગથી બચવાના ઉપાયો સમજાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને આરોગ્ય કર્મચારીઓ માટે આ કાર્યક્રમો ખૂબ જ માર્ગદર્શક બની રહ્યા છે.
આ વર્ષની ઉજવણી “સલામત શાળાઓ, સલામત હોસ્પિટલો અને અગ્નિ સલામતી-જાગૃત સમાજ – આગ નિવારણ માટે સાથે” જેવા અર્થસભર સૂત્ર હેઠળ કરવામાં આવી રહી છે. આ સૂત્ર માત્ર એક સંદેશ નહીં પરંતુ સમગ્ર સમાજને આગ જેવી આપત્તિઓ સામે સજ્જ બનવા માટે પ્રેરણા આપે છે.
ડીપીએ કંડલાનું આ પહેલ માત્ર એક કાર્યક્રમ પૂરતું સીમિત નથી, પરંતુ આગ સલામતી અંગે લાંબા ગાળે સચેત અને જવાબદાર સમાજ ઉભો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar