
- 18મી લોકસભાનું સાતમું સત્ર સંપન્ન, કાર્ય-ઉત્પાદકતા 93 ટકા રહી
- રાજ્યસભાનું 270મું સત્ર સંપન્ન, કાર્ય-ઉત્પાદકતા 109.87 ટકા રહી
નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.) સંસદનું બજેટ સત્ર શનિવારે બંને ગૃહોના અનિશ્ચિતકાળ માટે સ્થગિત થવા સાથે સમાપ્ત થયું. આ સત્ર રાજકીય રીતે ખૂબ જ ઉથલપાથલ ભરેલું રહ્યું હતું અને તેને વિશેષ બેઠકો માટે નિર્ધારિત સમય કરતાં આગળ લંબાવવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી સુધારાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
સત્ર દરમિયાન સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બંધારણ (131મો સુધારો) વિધેયક, 2026, જે મહિલાઓને 33 ટકા અનામત આપવા અને સીમાંકન પ્રક્રિયા લાગુ કરવા સંબંધિત હતું, તે લોકસભામાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મેળવી શક્યું નથી. વિધેયકની તરફેણમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા હતા, જ્યારે પસાર થવા માટે 352 મતોની જરૂર હતી.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના સમાપન સંબોધનમાં જણાવ્યું કે, ગૃહની કાર્ય-ઉત્પાદકતા લગભગ 93 ટકા રહી. તેમણે માહિતી આપી કે, 28 જાન્યુઆરીથી શરૂ થયેલા આ સત્રમાં કુલ 31 બેઠકો થઈ, જે 151 કલાક 42 મિનિટ સુધી ચાલી. સત્ર દરમિયાન કેન્દ્રીય બજેટ 2026-27 પર આશરે 13 કલાક ચર્ચા થઈ, જેમાં 63 સભ્યોએ ભાગ લીધો. અધ્યક્ષે જણાવ્યું કે, બંધારણ (131મો સુધારો) વિધેયક, સંઘ રાજ્યક્ષેત્ર કાયદો (સુધારો) વિધેયક અને સીમાંકન વિધેયક, 2026 પર 21 કલાક 27 મિનિટ સુધી ચર્ચા થઈ, જેમાં 131 સભ્યોએ ભાગ લીધો હતો. જોકે બંધારણ સુધારા વિધેયક પસાર થઈ શક્યું નથી.
સત્ર દરમિયાન 12 સરકારી વિધેયકો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 9 વિધેયકો પસાર થયા હતા. આ ઉપરાંત ગૃહમાં જાહેર મહત્વના 326 મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા અને નિયમ 377 હેઠળ 650 બાબતો રજૂ કરવામાં આવી હતી. ઓમ બિરલાએ જણાવ્યું કે, સત્રમાં 126 તારાંકિત પ્રશ્નોના મૌખિક જવાબો આપવામાં આવ્યા હતા. સાથોસાથ, સંસદિય સમિતિઓ દ્વારા 73 અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા અને કુલ 2089 દસ્તાવેજો ગૃહના પટલ પર મૂકવામાં આવ્યા હતા.
તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો કે, 18 ભારતીય ભાષાઓમાં 181 વક્તવ્યો આપવામાં આવ્યા હતા, જેનું સફળતાપૂર્વક અનુવાદ કરવામાં આવ્યું હતું. સત્ર દરમિયાન ડાબેરી ઉગ્રવાદ પર અલ્પકાલીન ચર્ચા, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પ્રધાનમંત્રીનું વક્તવ્ય અને દેશની વૈજ્ઞાનિક સિદ્ધિઓ સાથે જોડાયેલા મહત્વના વિષયો પણ ગૃહમાં ઉઠાવવામાં આવ્યા હતા.
બીજી તરફ રાજ્યસભાનું 270 મું સત્ર પણ શનિવારે સંપન્ન થયું. સમાપન અવસરે સભાપતિ સી. પી. રાધાકૃષ્ણને ગૃહની કાર્યવાહીને સફળ ગણાવતા સભ્યોના યોગદાનની પ્રશંસા કરી. સભાપતિએ કહ્યું કે, બજેટ સત્ર સંસદના ત્રણેય સત્રોમાં સૌથી મહત્વનું હોય છે, કારણ કે તેમાં લેવાયેલા નિર્ણયો દેશની વિકાસની દિશા નક્કી કરે છે. તેમણે જણાવ્યું કે, આ સત્ર દરમિયાન ગૃહની કુલ ઉત્પાદકતા 109.87 ટકા રહી અને ગૃહે 157 કલાક 40 મિનિટ સુધી કાર્ય કર્યું.
સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાથી થઈ, જે ચાર દિવસ સુધી ચાલી અને તેમાં 79 સભ્યોએ ભાગ લીધો. આ ચર્ચાનો જવાબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યો હતો. કેન્દ્રીય બજેટ 2026-27 પર પણ ચાર દિવસ સુધી વ્યાપક ચર્ચા થઈ હતી, જેમાં 97 સભ્યોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત, બે મુખ્ય મંત્રાલયોની કામગીરી પર પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
ગૃહે ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર સમજૂતી અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર મંત્રીઓના સ્વયંભૂ નિવેદનો પણ સાંભળ્યા. તે જ સમયે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેની ભારત પર થનારી અસરો પર પ્રધાનમંત્રીનું વક્તવ્ય પણ મહત્વપૂર્ણ રહ્યું. સભાપતિએ જણાવ્યું કે, સત્ર દરમિયાન 50 ખાનગી સભ્ય વિધેયકો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ, 12 પ્રાદેશિક ભાષાઓમાં 94 પ્રસંગોએ સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સત્ર દરમિયાન રાજ્યસભામાં 117 પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા, 446 શૂન્યકાળ ઉલ્લેખ થયા અને 207 વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યા. આ સત્રમાં હરિવંશને, ત્રીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા, જેના પર ગૃહના તમામ પક્ષોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. સભાપતિએ ગૃહના સુચારુ સંચાલનમાં સહયોગ માટે તમામ નેતાઓ, સભ્યો અને સચિવાલયના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ “વંદે માતરમ્”ની ધૂન સાથે ગૃહને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / અનુપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ