
મુંબઈ, નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.) કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે, શનિવારે જણાવ્યું હતું કે, પુણે એરપોર્ટ પર રનવે રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. સુરક્ષાને સર્વોપરી રાખીને, સવારે 7.30 વાગ્યાથી ફ્લાઇટ્સે ટેક-ઓફ કરવાનું અને 8.00 વાગ્યાથી લેન્ડિંગ શરૂ કરી દીધું છે.
મોહોલે એ કહ્યું કે, વાયુસેનાએ આ ઘટનાની સંપૂર્ણ તપાસ માટે 'કોર્ટ ઓફ ઇન્ક્વાયરી'નો આદેશ આપ્યો છે. હવે એ તપાસ કરવામાં આવશે કે હાર્ડ લેન્ડિંગ કોઈ ટેકનિકલ ખામીને કારણે થયું હતું કે, અન્ય કોઈ કારણ હતું. આશા છે કે દિવસ દરમિયાન પુણેમાં એર ટ્રાફિક ધીમે-ધીમે સામાન્ય થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રાત્રે પુણે એરપોર્ટ પર ભારતીય વાયુસેનાના એક ફાઇટર જેટનું હાર્ડ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આનાથી ફાઇટર જેટ અને રનવે બંનેને નુકસાન થયું હતું, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાના કારણે પુણે એરપોર્ટનો રનવે 9 કલાક સુધી બંધ રહ્યો હતો. જેના કારણે પુણેથી આવતી-જતી 30 થી વધુ ફ્લાઇટ્સ રદ અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
આ ઘટના બાદ, રાત્રે 11 વાગ્યાથી એરપોર્ટ પરની તમામ પ્રવૃત્તિઓ રોકી દેવામાં આવી હતી. પુણે આવતી ઓછામાં ઓછી 8 ફ્લાઇટ્સને સુરત, ગોવા, નવી મુંબઈ, ચેન્નઈ અને કોઈમ્બતુર જેવા શહેરોમાં, ડાયવર્ટ કરવામાં આવી હતી. ઇન્ડિગો અને અકાસા એરની સવારની ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેમાં દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ અને વડોદરા જનારા મુસાફરો સામેલ હતા. અડધી રાત્રે ફ્લાઇટ્સ રદ થવાને કારણે મુસાફરોમાં મૂંઝવણ હતી. એરલાઇન્સ મુસાફરોને તેમની મુસાફરી રદ કરીને રિફંડ લેવા અથવા ત્યાં જ રોકાવાનો વિકલ્પ આપી રહી હતી.
આ ઘટના બાદ નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી અને પુણેના સાંસદ મુરલીધર મોહોલે તરત જ, વાયુસેના અને એરપોર્ટ વહીવટીતંત્ર સાથે સંપર્ક સાધ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા દ્વારા, એરપોર્ટ વિશે માહિતી આપી હતી. રનવે પર ફસાયેલા ફાઇટર જેટને હટાવવા માટે ક્રેન અને ભારે મશીનરી લગાવવામાં આવી હતી. વાયુસેનાની ટેકનિકલ ટીમે રાતભર કામ કરીને રનવે ફરીથી કાર્યરત કરી દીધો હતો. આથી 9 કલાક બાદ પુણે એરપોર્ટનું કામકાજ ફરી યથાવત થઈ શક્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ