
કોઈમ્બતુર, નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.) તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન તેની ચરમસીમાએ પહોંચી ગયું છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) ના ઉમેદવારોના સમર્થનમાં દેશના અનેક મોટા નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતરી ચૂક્યા છે. આ ક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોઈમ્બતુરમાં આયોજિત એક જનસભાને સંબોધિત કરશે.
નિર્ધારિત કાર્યક્રમ મુજબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી વિશેષ વિમાન દ્વારા, સાંજે કોઈમ્બતુર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે પહોંચશે. ત્યાંથી તેઓ સડક માર્ગે કોડિસિયા મેદાન જશે, જ્યાં એનડીએ દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ જનસભા સાંજે લગભગ 5 વાગ્યે શરૂ થઈને અંદાજે એક કલાક સુધી ચાલશે. આમાં પ્રધાનમંત્રી ગઠબંધનના ઉમેદવારોના સમર્થનમાં લોકો પાસે વોટની અપીલ કરશે. ચૂંટણીના માહોલ વચ્ચે તેમના સંબોધનને લઈને રાજકીય વર્તુળોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે.
જનસભામાં એડપ્પડી કે. પલાનીસ્વામી, નૈનાર નાગેન્દ્રન, અન્નામલાઈ અને વાનથી શ્રીનિવાસન સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહેશે.
પ્રધાનમંત્રીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. કોઈમ્બતુર હવાઈ મથકથી લઈને જનસભાના સ્થળ સુધી ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. જેમાં વિશેષ સુરક્ષા દળ, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને જિલ્લા પોલીસને તૈનાત કરવામાં આવી છે. અંદાજે 3000 પોલીસકર્મીઓને સુરક્ષાની ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારને કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.
જનસભા પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી સડક માર્ગે પરત હવાઈ મથકે જશે અને ત્યાંથી વિશેષ વિમાન દ્વારા દિલ્હી પરત ફરશે. ચૂંટણીના આરે યોજાઈ રહેલી આ રેલીને એનડીએ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે રાજ્યના રાજકીય સમીકરણોને પ્રભાવિત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત અનેક વરિષ્ઠ નેતાઓ પહેલેથી જ પ્રચારમાં સક્રિય છે.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વર પ્રસાદ રાવ પીવી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ