
રાજપીપળા,18 એપ્રિલ (હિ.સ.) રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 અંતર્ગત નર્મદામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓનું 26 એપ્રિલ (રવિવાર)ના રોજ મતદાન યોજાનાર છે.
લોકશાહીનો પાયો મજબૂત બનાવવા માટે વધુમાં વધુ મતદારો મતદાનમાં ભાગ લે તે અત્યંત આવશ્યક છે.
આ હેતુસર નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ખાસ કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત શાળા-ગામ-શેરી-મહોલ્લા અને જાહેર સ્થળોએ મતદાર જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા સેવાસદન રાજપીપલા ખાતે મુખ્ય પ્રવેશદ્વાર પર પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા રંગોળીના માધ્યમથી મતદાન જાગૃતિની રંગોળી દોરી છે. જિલ્લા સેવાસદનમાં વિવિધ કચેરીઓની મુલાકાતે આવતા નાગરિકોમાં મતદાન જાગૃતિ કેળવાય તેવા શુભ આશયથી આ રંગોળી બનાવવામાં આવી છે. જેમાં વોકશાહીનો ભાગ્ય વિધાતા હોય છે જાગૃત મતદાતા તેવા સૂત્ર સાથે મતદાર જાગૃતિ નો સંદેશો પાઠવવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ