
પાટણ, 02 એપ્રિલ (હિ.સ.)પાટણ શહેરમાં હનુમાન જયંતી નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ચૈત્ર સુદ પૂનમના દિવસે અંજનીમાતાની કુખે જન્મેલા અને ભગવાન શંકરના 11મા રુદ્રાવતાર માનાતા હનુમાનજીનો જન્મોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં સવારથી જ આરતી, ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
દિવસની શરૂઆત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા બાલા હનુમાન મંદિરે પ્રભાત આરતી સાથે થઈ હતી. ત્યારબાદ મંદિર પરિસરમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું અને ભક્તો માટે મહાપ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શહેરભરના મંદિરોમાં પવનપુત્રના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
રામ નવમી સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રા બાલા હનુમાન મંદિરથી ડીજેના તાલે પ્રસ્થાન થઈ હતી. આ યાત્રા મેઈન બજાર, બગવાડા, હિંગળાચાચર, જુનાગંજ બજાર અને સુભાષચોક જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. શોભાયાત્રામાં યુવાનો, સાધુ-સંતો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જય શ્રી રામના નાદ અને હનુમાન ચાલીસાના ગાનથી સમગ્ર શહેર ભક્તિમય બન્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ