
પાટણ, 02 એપ્રિલ (હિ.સ.)શંખેશ્વરમાં વકીલ દિલીપકુમાર છોટાલાલ રાવલની ઓફિસમાં ચોરી અને તોડફોડની ઘટના બની હતી. તેઓ તેમના પુત્રની સારવાર માટે પાટણ ગયા હતા ત્યારે આરોપી મહેશકુમાર જલાજી ઠાકોરે શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. પાડોશીએ મોકલેલા વીડિયાના આધારે આરોપીની ઓળખ થઈ હતી.
આરોપીએ લોખંડની ટામી વડે ઓફિસમાં પ્રવેશ કરીને બારી-દરવાજાના કાચ તોડી આશરે ₹21,700નું નુકસાન કર્યું હતું. સાથે જ ઓફિસમાં રાખેલી બેગમાંથી ₹10,000 રોકડની ચોરી કરી હતી.
ઘટના દરમિયાન વકીલના મિત્રે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેણે નજીકમાં ઉભેલી સ્વિફ્ટ કારનો કાચ ક્રિકેટ બેટથી તોડી ₹2,500નું નુકસાન પણ પહોંચાડ્યું હતું.
દિલીપકુમાર રાવલની ફરિયાદના આધારે શંખેશ્વર પોલીસે આરોપી વિરુદ્ધ B.N.S.S. અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. પીએસઆઈ જીવાજી બબાજી ઠાકોર આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ