
પાટણ, 02 એપ્રિલ (હિ.સ.)જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પારદર્શક અને શાંતિપૂર્ણ બનાવવા માટે નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ. બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાના તમામ તબક્કાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.
કલેક્ટરે આચાર સંહિતાનું કડક પાલન, તમામ વિભાગો વચ્ચે સંકલન અને અસરકારક સુપરવિઝન પર ભાર મૂક્યો. તેમણે ચૂંટણી નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે સઘન આયોજન જરૂરી હોવાનું જણાવ્યું.
સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતા પોલીસ બંદોબસ્ત, કાયદો-વ્યવસ્થા જાળવવા જરૂરી પગલાં તથા ચૂંટણી ઓબ્ઝર્વર્સ માટે રહેવા, વાહન અને કનેક્ટિવિટી જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું.
મતદારયાદીની ચકાસણી, ઇવીએમ મશીનોનું સંચાલન, મતદાર જાગૃતિ કાર્યક્રમો તથા તમામ માહિતી સમયસર ઇ-ડેશબોર્ડમાં અપલોડ કરવાની કામગીરી પર ખાસ ધ્યાન આપવા સૂચના અપાઈ.
આ ઉપરાંત, કંટ્રોલ રૂમ સ્થાપના, પોલિંગ સ્ટાફની તાલીમ, વાહન વ્યવસ્થા, મીડિયા મેનેજમેન્ટ અને ઉમેદવારોના ખર્ચ પર દેખરેખ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. બેઠકમાં તમામ નોડલ અધિકારીઓએ પોતાની તૈયારી અંગે માહિતી રજૂ કરી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ