
પાટણ, 02 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સવારથી જ દાવેદારો અને કાર્યકરોની ભીડ જોવા મળી હતી, જ્યાં પાટણ, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના દાવેદારોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે.
આ પ્રક્રિયા માટે રચાયેલી ત્રણ સભ્યોની સમિતિમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, બાબુભાઈ જેબલિયા અને દિલીપભાઈ પટેલનો સમાવેશ થાય છે, જે દાવેદારોની રજૂઆતો સાંભળી રહ્યા છે. તેમના દ્વારા મેળવાયેલા અભિપ્રાયો આધારે વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે.
જિલ્લાના અન્ય તાલુકાઓ માટે રાધનપુર APMC ખાતે પણ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જ્યાં રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે. અનેક કાર્યકરો ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે.
આવતીકાલે 3 એપ્રિલે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના દાવેદારોના સેન્સ લેવામાં આવશે, જ્યારે હારીજ ખાતે હારીજ, શંખેશ્વર અને ચાણસ્મા તાલુકાના ઉમેદવારો માટે પ્રક્રિયા હાથ ધરાશે. અંતે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ