

પાટણ, 02 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં હનુમાન જયંતિ પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. વિવિધ મંદિરો અને સંગઠનો દ્વારા હવન, સુંદરકાંડ પાઠ, મારૂતિ યાગ અને ભંડારા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભદ્ર સાર્વજનિક વ્યાયામ મંદિર, છબીલા હનુમાન અને મંગલસિદ્ધ હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
પસુવાદળની પોળમાં આવેલા ભદ્ર સાર્વજનિક વ્યાયામ મંદિર ખાતે ત્રિ-દિવસીય કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ દિવસે અશ્વિનભાઈ જોષી દ્વારા કાર્યક્રમ અને બીજા દિવસે શાસ્ત્રી કપિલભાઈ દવે દ્વારા સુંદરકાંડ પાઠ યોજાયો હતો. હનુમાન જયંતિના દિવસે ખાસ હવન યોજાઈ સાંજે પૂર્ણાહુતિ અને ત્યારબાદ ભંડારો યોજાયો હતો.
છબીલા હનુમાન મંદિર અને મંગલસિદ્ધ હનુમાન મંદિરે પણ મારૂતિ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સમગ્ર સિદ્ધપુર શહેર ભક્તિમય માહોલમાં રંગાયેલું જોવા મળ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ